News of Thursday, 26th March 2026
વૈશ્વિક શાંતિના એકમાત્ર મસીહા: શું પીએમ મોદી રોકશે અમેરિકા-ઈરાન મહાયુદ્ધ?
ટ્રમ્પના ખાસ સલાહકાર કર્નલ મેકગ્રેગરે પાકિસ્તાનની મધ્યસ્થીની ઓફરને 'બકવાસ' ગણાવી ફગાવી દીધી: પુતિન, નેતન્યાહુ અને ટ્રમ્પ જો કોઈનું માન રાખતા હોય તો તે માત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે

વોશિંગ્ટન: વિશ્વ જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઉભું છે અને અમેરિકા-ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે, ત્યારે પશ્ચિમી દેશોની નજર હવે નવી દિલ્હી પર ટકેલી છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ભૂતપૂર્વ પેન્ટાગોન સલાહકાર કર્નલ ડગ્લાસ મેકગ્રેગરે એક વિસ્ફોટક નિવેદનમાં જણાવ્યું છે કે પીએમ મોદી વિશ્વના એકમાત્ર એવા નેતા છે જે 'ટ્રબલશૂટર' (મુશ્કેલીનિવારક) બની શકે છે. તેમણે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી મધ્યસ્થીની ઓફરની આકરી ટીકા કરતા તેને "વાહિયાત" ગણાવી હતી. મેકગ્રેગરે કટાક્ષ કર્યો કે જે દેશનું પોતાનું ઘર (અર્થતંત્ર) સળગી રહ્યું હોય અને જે દેવાળિયા ફૂંકવાની અણી પર હોય, તેની વાત સાંભળવા કોઈ તૈયાર નથી. ઇઝરાયેલ કે અમેરિકા ક્યારેય પાકિસ્તાન જેવા અસ્થિર દેશને તટસ્થ મધ્યસ્થી તરીકે સ્વીકારી શકે નહીં.
મેકગ્રેગરે ભારપૂર્વક જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની કૂટનીતિક શક્તિ અજોડ છે કારણ કે તેમના સંબંધો રશિયાના પુતિન, ઇઝરાયેલના નેતન્યાહુ અને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ એમ ત્રણેય પક્ષો સાથે અત્યંત મજબૂત છે. એટલું જ નહીં, ઈરાની નેતૃત્વ પણ પીએમ મોદીના શબ્દોને ગંભીરતાથી લે છે. મેકગ્રેગરે મોટો દાવો કર્યો કે જો અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ એક વ્યક્તિની સલાહ માને તેમ હોય, તો તે માત્ર મોદી છે. જ્યારે અમેરિકાના અન્ય વાટાઘાટકારો પર ઇઝરાયેલ તરફી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે ભારતની બિન-સાંપ્રદાયિક અને સંતુલિત છબી આ વૈશ્વિક કટોકટીમાં મધ્યસ્થી કરવા માટે સૌથી યોગ્ય માનવામાં આવી રહી છે.
મધ્ય પૂર્વની સ્થિતિ અંગે ચેતવણી આપતા પૂર્વ સલાહકારે કહ્યું કે આ યુદ્ધ ટૂંક સમયમાં શાંત થાય તેમ લાગતું નથી. ઈરાને અમેરિકાના પ્રસ્તાવો ફગાવી દીધા છે અને હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાથી વૈશ્વિક અર્થતંત્ર પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આવા સમયે, રશિયા અને યુક્રેન વચ્ચે પણ શાંતિ માટે પ્રયાસ કરી ચૂકેલા પીએમ મોદી જો હસ્તક્ષેપ કરે, તો જ ઈરાન અને અમેરિકા વચ્ચે ટેબલ પર વાતચીત શક્ય છે. મેકગ્રેગરે સ્પષ્ટ કર્યું કે ભારતની ભૂમિકા હવે માત્ર દક્ષિણ એશિયા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વિશ્વની શાંતિ નક્કી કરનારું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
