News of Thursday, 26th March 2026
બેડરૂમની સીમાઓ પર હાઈકોર્ટની 'લક્ષ્મણ રેખા': પતિ-પત્ની વચ્ચેના શારીરિક સંબંધોમાં કલમ 377 નહીં લાગે
મધ્યપ્રદેશ હાઈકોર્ટનો ઐતિહાસિક અને વિવાદાસ્પદ ચુકાદો : કોર્ટે સ્પષ્ટ કર્યું કે લગ્નની મર્યાદામાં થતા અકુદરતી સેક્સને ગુનો ગણી શકાય નહીં, ભલે પત્નીની સંમતિ હોય કે ન હોય -

ગ્વાલિયર: ભારતીય ન્યાયતંત્રમાં વૈવાહિક સંબંધો અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેની ખેંચતાણ ફરી એકવાર સપાટી પર આવી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ મિલિંદ રમેશ ફડકેએ એક અત્યંત સંવેદનશીલ કેસની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ કાયદાકીય રેખા દોરતા જણાવ્યું છે કે, ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 377 હેઠળ આવતા 'અકુદરતી ગુનાઓ'ની વ્યાખ્યા પતિ-પત્નીના સંબંધો પર લાગુ કરી શકાય નહીં. આ કેસમાં એક પીડિત મહિલાએ તેના પતિ પર દહેજ ઉત્પીડન અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જોકે, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે લગ્ન સંસ્થાની અંદર બે વ્યક્તિઓ વચ્ચે થતા શારીરિક વ્યવહારને કલમ 377 ના દાયરામાં લાવીને ગુનાહિત ઠેરવી શકાય નહીં, કારણ કે કાયદો લગ્નને એક અલગ દરજ્જો આપે છે.
આ ચુકાદાના મૂળમાં દહેજ અને ઘરેલું હિંસાનો એક જટિલ વિવાદ રહેલો છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદ ચાર લાખ રોકડા અને સોનાના દાગીના આપવા છતાં તેના સાસરિયાઓ દ્વારા વધુ છ લાખ રૂપિયા અને મોટરસાઇકલની માંગણી કરવામાં આવતી હતી. આ માનસિક ત્રાસની સાથે જ પતિ દ્વારા તેની ઈચ્છા વિરુદ્ધ અકુદરતી શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કરવામાં આવતું હતું. પોલીસે શરૂઆતમાં આ મામલે કલમ 377 અને 498A હેઠળ ગુનો નોંધ્યો હતો. પરંતુ હાઈકોર્ટે કાયદાકીય છીંડાઓ તપાસતા નોંધ્યું કે IPC ની કલમ 375 હેઠળ 'મેરિટલ રેપ' (વૈવાહિક બળાત્કાર) ને અપવાદ ગણવામાં આવ્યો છે, સિવાય કે પત્ની સગીર હોય. આ જ તર્કને આધારે કોર્ટે પતિ વિરુદ્ધની કલમ 377 રદ કરી દીધી છે, જે એક રીતે બેડરૂમમાં પતિના અધિકારો અને પત્નીની સ્વાયત્તતા વચ્ચે નવી ચર્ચા છેડી શકે છે.
જોકે, કોર્ટના આ આદેશનો અર્થ એ નથી કે પતિને સંપૂર્ણ ક્લીન ચિટ મળી ગઈ છે. હાઈકોર્ટે પતિ અને સાસરિયાઓ સામેના દહેજ ઉત્પીડન (498A), મારપીટ અને સ્ત્રીની ગરિમાને ઠેસ પહોંચાડવા સંબંધિત અન્ય કલમો હેઠળના કેસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે ભલે શારીરિક સંબંધોને કલમ 377 હેઠળ ન લાવી શકાય, પરંતુ મહિલા પર ગુજારવામાં આવેલી ક્રૂરતા અને દહેજની માંગણીના પુરાવાઓ ગંભીર છે અને તેની ટ્રાયલ ચાલવી જોઈએ. આ ચુકાદો ભારતમાં 'મેરિટલ રેપ' ને ગુનો જાહેર કરવાની ચાલી રહેલી રાષ્ટ્રીય ચર્ચામાં નવું ઈંધણ પૂરશે, કારણ કે તે ફરી એકવાર સાબિત કરે છે કે ભારતીય કાયદામાં હજુ પણ પત્નીની શારીરિક સંમતિ કરતાં લગ્નના કરારને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
