<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

નેપાળના રાજકારણમાં એક નવા યુગનો સૂર્યોદય પ્રારંભ : કાલે બાલેન્દ્ર શાહ લેશે શપથ :ઈતિહાસમાં સૌથી યુવા પીએમ બનશે

આરએસપીના અધ્યક્ષ રવિ લામિછાણેએ બાલેનના નામનો પ્રસ્તાવ મૂક્યો જેને તમામ 182 સાંસદોએ સમર્થન આપ્યું:રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ શીતલ નિવાસ ખાતે એક વિશેષ સમારોહમાં બાલેન શાહને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે.

નેપાળના રાજકારણમાં એક નવા યુગનો સૂર્યોદય થયો છે. કાઠમંડુના પૂર્વ મેયર અને જાણીતા રેપર બાલેન્દ્ર શાહ, જેઓ 'બાલેન' તરીકે લોકપ્રિય છે, શુક્રવારે નેપાળના નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) એ ગુરુવારે તેમને સંસદીય દળના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢ્યા હતા, જેનાથી તેમના વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો છે. 35 વર્ષીય બાલેન નેપાળના ઈતિહાસમાં સૌથી યુવા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.

 

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ શુક્રવારે શીતલ નિવાસ ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં બાલેન શાહને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ પૂર્વે ગુરુવારે સિંગા દરબાર ખાતે યોજાયેલી બેઠકમાં આરએસપીના અધ્યક્ષ રવિ લામિછાણેએ બાલેનના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ 182 સાંસદોએ સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૫ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાલેનની પાર્ટીએ ૨૭૫ બેઠકો ધરાવતા ગૃહમાં પ્રચંડ બહુમતી હાંસલ કરી વર્ષોથી ચાલી આવતા પરંપરાગત પક્ષોના વર્ચસ્વનો અંત આણ્યો હતો.

 

આ ઐતિહાસિક પરિવર્તન પાછળ નેપાળમાં ગયા વર્ષે થયેલા 'ઝેન-ઝી' (Gen Z) વિરોધ પ્રદર્શનો મહત્વનું કારણ માનવામાં આવે છે. ભ્રષ્ટાચાર અને રાજકીય અસ્થિરતાથી કંટાળેલા યુવા મતદારોએ બાલેન શાહના 'રિફોર્મિસ્ટ' એજન્ડાને સ્વીકાર્યો છે. વ્યવસાયે સ્ટ્રક્ચરલ એન્જિનિયર બાલેન શાહ મધેશી મૂળના પ્રથમ વડાપ્રધાન હશે, જે દક્ષિણ નેપાળના પ્રાદેશિક સમીકરણો માટે પણ એક મોટો વળાંક છે. તેમણે ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીને 50,000 થી વધુ મતોના માર્જિનથી હરાવીને રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા હતા.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, બાલેન શાહનું મંત્રીમંડળ 15 થી 18 સભ્યોનું મર્યાદિત અને કાર્યક્ષમ રહેવાની શક્યતા છે. શપથ ગ્રહણ સમારોહમાં હિન્દુ અને બૌદ્ધ ધાર્મિક વિધિઓનો સમન્વય જોવા મળશે, જેમાં 108 વટુકો દ્વારા સ્વસ્તિ શાંતિ પાઠ અને 16 બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા અષ્ટમંગલ પાઠ કરવામાં આવશે. નેપાળમાં સ્થિર સરકારની આશા સાથે ભારત અને ચીન જેવા પડોશી દેશોની નજર પણ આ યુવા નેતૃત્વ પર ટકેલી છે. શપથ લીધા બાદ બાલેન શાહ બપોરે 2:15 વાગ્યે સિંગા દરબાર ખાતે પોતાનો કાર્યભાર સંભાળશે.

(11:03 PM IST)