News of Friday, 27th March 2026
અમેરિકામાં નોકરી કરતા ભારતીયોની લોટરી લાગશે! H-1B વિઝાધારકોના પગારમાં વાર્ષિક ₹11.5 લાખનો જંગી વધારો કરવાની તૈયારીમાં ટ્રમ્પ પ્રશાસન
યુએસ લેબર ડિપાર્ટમેન્ટનો ક્રાંતિકારી પ્રસ્તાવ: વિદેશી કામદારો અને અમેરિકન કર્મચારીઓ વચ્ચેનો વેતન તફાવત નાબૂદ કરવા 'નવું વેતન માળખું' તૈયાર

વોશિંગ્ટન: તા.27: અમેરિકામાં સ્થાયી થયેલા અને H-1B વિઝા પર કામ કરતા લાખો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે ઉત્સાહજનક સમાચાર આવ્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સના શ્રમ વિભાગે વિઝા વેતન નિયમોમાં એક મોટો ફેરફાર પ્રસ્તાવિત કર્યો છે, જેના અમલીકરણથી વિદેશી કામદારોના વાર્ષિક પગારમાં સરેરાશ $14,000 (આશરે ₹11.60 લાખ) નો વધારો થઈ શકે છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન કામદારોના હિતોનું રક્ષણ કરવાનો અને વિદેશી કામદારોને મળતા ઓછા વેતનની પ્રથાને રોકવાનો છે.
કેમ લેવાયો આ નિર્ણય? 'રિપ્લેસમેન્ટ' રોકવા પર ભાર
શ્રમ વિભાગના વિશ્લેષણ મુજબ, હાલમાં H-1B કામદારો સમાન લાયકાત ધરાવતા અમેરિકન કામદારો કરતા સરેરાશ $10,191 ઓછું કમાય છે. રાષ્ટ્રપતિના નિર્દેશ બાદ વિભાગે નોંધ્યું છે કે ઘણી કંપનીઓ અમેરિકન કામદારોને 'પૂરક' બનાવવાને બદલે તેમને વિદેશી કામદારો દ્વારા 'રિપ્લેસ' (બદલી) કરી રહી છે, કારણ કે તેમને ઓછા વેતને કામદારો મળી રહે છે. આ 'વેતન દમન'ને રોકવા માટે હવે પગારના ધોરણો ઊંચા લઈ જવામાં આવશે.
નવું ફોર-ટાયર વેતન માળખું (Wage Structure)
સરકારે ચાર સ્તરીય વેતન પ્રણાલીમાં ધરખમ સુધારો સૂચવ્યો છે, જે મુજબ લઘુત્તમ પગારની મર્યાદા (Percentiles) નીચે મુજબ વધશે:
• લેવલ-1 (એન્ટ્રી લેવલ): 17મા પર્સેન્ટાઇલથી વધારીને 34મા પર્સેન્ટાઇલ પર લઈ જવામાં આવશે.
• લેવલ-2: 52મા પર્સેન્ટાઇલ પર સેટ થશે.
• લેવલ-3: 70મા પર્સેન્ટાઇલ પર સેટ થશે.
• લેવલ-4 (હાઈ સ્કીલ): સીધું 88મા પર્સેન્ટાઇલ પર પહોંચશે.
હાલમાં 63% H-1B પદો લેવલ-1 અને લેવલ-2 હેઠળ છે, જેનો અર્થ છે કે મોટાભાગના ભારતીય ટેક કામદારોને આ પગાર વધારાનો સીધો લાભ મળશે.
ભારતીય આઈટી ક્ષેત્ર અને કંપનીઓ પર અસર
નાણાકીય વર્ષ 2024 માં અમેરિકાએ 5 લાખથી વધુ H-1B અરજીઓ પ્રમાણિત કરી છે. નવા નિયમો લાગુ થવાથી અમેરિકન કંપનીઓએ વિદેશી કામદારો પાછળ વાર્ષિક અંદાજે $6.56 બિલિયન વધુ ખર્ચવા પડશે. જોકે, આ નિયમો માત્ર નવી અરજીઓ પર જ લાગુ થશે, એટલે કે જેઓ અત્યારે અમેરિકામાં છે અને જેમની મંજૂરી ચાલુ છે, તેમના પર હાલ કોઈ જોખમ નથી.
પરમેનન્ટ રેસિડન્સી (PR) સાથે જોડાણ
રસપ્રદ વાત એ છે કે, 57% થી વધુ PERM (ગ્રીન કાર્ડ પ્રક્રિયા) અરજીઓ H-1B ધારકો માટે જ ફાઈલ થાય છે. તેથી, કામચલાઉ વિઝાના વેતનમાં વધારો થવાથી લાંબા ગાળે ઇમિગ્રેશનના આંકડા અને કામદારોની આર્થિક સ્થિતિ પર પણ હકારાત્મક અસર પડશે. આ પ્રસ્તાવ હાલ જાહેર ટિપ્પણી માટે ખુલ્લો છે, જે બાદ તેને અંતિમ ઓપ આપવામાં આવશે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
