News of Friday, 27th March 2026
હોર્મુઝમાં ઈરાને અમેરિકી જહાજો માટે રસ્તો રોક્યો : ટ્રમ્પના દાવાઓને ઈરાને 'સફેદ જૂઠ' ગણાવ્યા
હોર્મુઝ સ્ટ્રેટને 'નો-ગો ઝોન' જાહેર કરી ત્રણ વિદેશી જહાજોને ભગાડ્યા અને 6 એપ્રિલની ડેડલાઈન પૂર્વે મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્ય મથકો પર હુમલાની ખુલ્લી ધમકી

તેહરાન: ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડએ હોર્મુઝની ખાડીમાં આક્રમક વલણ અપનાવતા વિશ્વભરમાં તેલના પુરવઠા પર સંકટના વાદળો છવાયા છે. શુક્રવારે સવારે ઈરાને આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગને અમેરિકા અને ઈઝરાયેલના સાથી દેશો માટે સત્તાવાર રીતે બંધ જાહેર કર્યો છે. આ દરમિયાન ખાડી પાર કરવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ મોટા જહાજો, જેમાં ચીની કંપની COSCO ના કન્ટેનર જહાજોનો પણ સમાવેશ થાય છે, તેમને IRGC એ બળજબરીપૂર્વક પાછા ભગાડી દીધા હતા. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે દેશો 'યહૂદી-અમેરિકન દુશ્મનો' ને મદદ કરશે, તેમના માટે આ દરિયાઈ માર્ગના દરવાજા કાયમ માટે બંધ રહેશે.
આ ઘટનાક્રમે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાઓની હવા કાઢી નાખી છે જેમાં તેમણે કહ્યું હતું કે ઈરાન નરમ પડી રહ્યું છે અને વાતચીત માટે તૈયાર છે. ટ્રમ્પે ગુરુવારે દાવો કર્યો હતો કે ઈરાને સદ્ભાવના બતાવવા 10 તેલ ટેન્કરોને રસ્તો આપ્યો છે, પરંતુ શુક્રવારે ઈરાનની સત્તાવાર વેબસાઈટ 'સેપાહ ન્યૂઝ' પર ટ્રમ્પને 'ભ્રષ્ટ' કહી તેમના નિવેદનને ખુલ્લેઆમ જુઠ્ઠું ગણાવ્યું હતું. ઈરાનના આ કડક વલણથી સાબિત થાય છે કે તે અમેરિકાના દબાણ સામે ઝૂકવાને બદલે પોતાની શરતો પર યુદ્ધવિરામ ઈચ્છે છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તોતિંગ વધારાની ભીતિ સેવાઈ રહી છે.
દરિયાઈ મોરચા ઉપરાંત ઈરાને હવે સીધી સૈન્ય કાર્યવાહીના સંકેત આપતા મધ્ય પૂર્વના નાગરિકોને અમેરિકી સૈન્ય મથકો અને સૈનિકો રહેતા હોય તેવી હોટલોથી દૂર રહેવા તાકીદ કરી છે. કુવૈતના વ્યાપારી બંદર પર થયેલા ડ્રોન હુમલા બાદ તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. બીજી તરફ, ટ્રમ્પે 6 એપ્રિલ સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ ન ખોલવામાં આવે તો ઈરાનના ઉર્જા સ્થાપનોને નસ્તનાબૂદ કરવાની ધમકી આપી છે. આગામી થોડા દિવસો વૈશ્વિક અર્થતંત્ર અને શાંતિ માટે નિર્ણાયક સાબિત થશે કારણ કે બંને પક્ષોમાંથી કોઈ પણ પીછેહઠ કરવા તૈયાર નથી.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
