News of Friday, 27th March 2026
PSL ના મેદાનમાં રાજકીય ગરમાવો: "શું મરિયમ નવાઝ 'લોર્ડ્સની રાણી' છે?" - નસીમ શાહની વિવાદાસ્પદ પોસ્ટથી પાકિસ્તાનમાં ખળભળાટ, ક્રિકેટરે આપવી પડી સ્પષ્ટતા!
લાહોર કલંદર્સ અને હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચેની મેચમાં VIP ગેસ્ટ તરીકે હાજરી આપવી મુખ્યમંત્રીને ભારે પડી; હેકિંગનું બહાનું કે સત્ય? નસીમ શાહના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સૌની નજર

લાહોર: પાકિસ્તાન સુપર લીગ (PSL) ની ૧૧મી સીઝન હજુ તો શરૂ જ થઈ છે ત્યાં વિવાદોની હારમાળા સર્જાઈ છે. સ્ટેડિયમમાં ખેલાડીઓના ચોગ્ગા-છગ્ગા કરતા અત્યારે પાકિસ્તાની ફાસ્ટ બોલર નસીમ શાહ અને પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફ વચ્ચેનો સોશિયલ મીડિયા જંગ વધુ ચર્ચામાં છે. નસીમ શાહના એકાઉન્ટ પરથી મરિયમ નવાઝ વિરુદ્ધ કરવામાં આવેલી એક આકરી ટિપ્પણીએ પાકિસ્તાની રાજકારણ અને ક્રિકેટ જગતમાં મોટો વિવાદ ઊભો કર્યો છે.
શું હતો સમગ્ર મામલો?
ગદ્દાફી સ્ટેડિયમમાં લાહોર કલંદર્સ અને હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં મરિયમ નવાઝ શરીફ 'VIP ગેસ્ટ' તરીકે હાજર રહ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ગર્વભેર તેમનો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વિડિયોને રી-પોસ્ટ કરતા નસીમ શાહના એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું: "તેમની સાથે 'લોર્ડ્સની રાણી' જેવું વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે?" આ એક વાક્યે સોશિયલ મીડિયા પર આગ લગાડી દીધી અને જોતજોતામાં પોસ્ટ વાયરલ થઈ ગઈ.
હેકિંગની કેફિયત અને સ્પષ્ટતા
મરિયમ નવાઝ જેવી શક્તિશાળી નેતા વિરુદ્ધ આવી ટિપ્પણી બાદ હોબાળો મચવો સ્વાભાવિક હતો. જોકે, વિવાદ વકરતા જ નસીમ શાહ તરફથી તરત જ સ્પષ્ટતા કરવામાં આવી હતી. બીજી એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે, નસીમનું એક્સ (X) એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું અને આ ટિપ્પણી નસીમ શાહના અંગત વિચારો નથી. એકાઉન્ટ રિકવર થયા બાદ વિવાદાસ્પદ પોસ્ટ હટાવી દેવામાં આવી હતી, પરંતુ યુઝર્સમાં હજુ પણ એ ચર્ચા ચાલી રહી છે કે આ ખરેખર હેકિંગ હતું કે દબાણ હેઠળ અપાયેલી સ્પષ્ટતા.
મેચનો અહેવાલ: ફખર ઝમાનનો જાદુ
મેદાન પરની વાત કરીએ તો, લાહોર કલંદર્સે પ્રથમ બેટિંગ કરતા ફખર ઝમાનની ૫૩ રનની શાનદાર ઈનિંગની મદદથી ૧૯૯ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ૧૦ ચોગ્ગા સાથે ફખર ઝમાને હૈદરાબાદના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. જવાબમાં હૈદરાબાદ કિંગ્સમેનની ટીમ માત્ર ૧૩૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને લાહોરે ભવ્ય વિજય મેળવ્યો હતો.
PSL માં વિવાદોની હેટ્રિક
આ વખતની PSL શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. પહેલા બંધ દરવાજા પાછળ લીગ યોજવાનો નિર્ણય, ત્યારબાદ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવા દિગ્ગજ ખેલાડીઓને મળેલી ધમકીઓ અને હવે આ સોશિયલ મીડિયા વિવાદ. ક્રિકેટ ચાહકો હવે આશા રાખી રહ્યા છે કે વિવાદો શાંત થાય અને મેદાન પર રમતનો અસલી રોમાંચ જોવા મળે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
