<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

IPL ૨૦૨૬નો ક્રેઝ: કર્ણાટકના ધારાસભ્યોની 'ટિકિટ પોલિટિક્સ'માં જીત! ડેપ્યુટી સીએમ શિવકુમારે નેતાઓ માટે ૨-૨ ફ્રી VIP ટિકિટની કરી જાહેરાત

RCB vs SRH ઓપનિંગ મેચ માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નેતાઓનો જમાવડો થશે; ૪ ટિકિટની માંગ સામે ૨ ટિકિટ મળતા ધારાસભ્યોમાં રાહત, તેજસ્વી સૂર્યાએ 'પર્સનલ પ્રોફિટ' કહીને કરી ટીકા

 બેંગલુરુ:  ભારતમાં ક્રિકેટ અને રાજકારણ હંમેશા સાથે ચાલે છે, અને આઈપીએલ ૨૦૨૬ની શરૂઆત પહેલા કર્ણાટકમાં આ વાત ફરી સાબિત થઈ છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાનારી RCB (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) અને SRH (સનરાઈઝર્સ હૈદરાબાદ) વચ્ચેની હાઈ-વોલ્ટેજ ઓપનિંગ મેચ માટે ટિકિટોનો જંગ મેદાન બહાર પણ છેડાયો હતો. ધારાસભ્યો અને સાંસદોની ભારે નારાજગી બાદ હવે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ માટે ૨ VIP ટિકિટ આપવાની જાહેરાત કરી છે.
૪ ટિકિટની જીદ અને 'અનાદર'નો મુદ્દો
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કર્ણાટક વિધાનસભાના સ્પીકર યુ.ટી. ખાદેરે સરકારને વિનંતી કરી કે દરેક ધારાસભ્યને મેચ માટે ૪ VIP ટિકિટ મળવી જોઈએ. અનેક ધારાસભ્યોએ પક્ષભેદ ભૂલીને ફરિયાદ કરી હતી કે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) દ્વારા તેમની સાથે 'અનાદર' કરવામાં આવે છે અને તેમને યોગ્ય પ્રોટોકોલ મુજબ ટિકિટ ફાળવવામાં આવતી નથી.
ડેપ્યુટી સીએમની મધ્યસ્થી
ધારાસભ્યોના રોષને જોતા ડી.કે. શિવકુમારે પ્રેસને જણાવ્યું કે, "અત્યાર સુધી દરેક ધારાસભ્ય અને મંત્રીને માત્ર એક જ ટિકિટ મળતી હતી. પરંતુ પરિવારના સભ્યોને સાથે લઈ જવા માટે અમે KSCA ને વિનંતી કરી છે કે દરેકને ૨ ટિકિટ આપવામાં આવે. આવતીકાલની ઓપનિંગ મેચ માટે દરેક નેતાને ૨ ટિકિટ કન્ફર્મ મળશે." તેમણે વધુમાં ઉમેર્યું કે આગામી મેચો માટેની વ્યવસ્થા વિશે પછીથી ચર્ચા કરવામાં આવશે.
રાજકીય ગરમાવો અને ટીકા
જોકે, ધારાસભ્યોની આ ટિકિટની માંગણીને ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ આડે હાથ લીધી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ધારાસભ્યોની ટીકા કરતા લખ્યું કે, "જનપ્રતિનિધિઓએ પોતાની ફરજો પર ધ્યાન આપવાને બદલે આવા વ્યક્તિગત લાભો અને ફ્રી ટિકિટોને પ્રાથમિકતા આપવી જોઈએ નહીં." આ નિવેદનને કારણે હવે સોશિયલ મીડિયા પર ફેન્સ અને રાજકારણીઓ વચ્ચે નવી ચર્ચા છેડાઈ છે.
ગમે તેમ પણ, આવતીકાલે જ્યારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલશે, ત્યારે સ્ટેન્ડમાં ક્રિકેટ ફેન્સની સાથે કર્ણાટકના માનનીય ધારાસભ્યો પણ બબ્બે ટિકિટ સાથે મેચનો આનંદ લેતા જોવા મળશે.

(7:51 PM IST)