News of Friday, 27th March 2026
"૧૨ વાગ્યાથી લોકડાઉન છે, સામાન ભરી લો": મુમ્બ્રામાં અફવા ફેલાવી ગભરાટ પેદા કરનાર 'સોશિયલ મીડિયા સ્ટાર' જેલના સળિયા પાછળ, પોલીસે શિખવાડ્યો પાઠ!
વાયરલ વીડિયોને કારણે લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા બજારમાં દોડ્યા; પોલીસે ગણતરીના કલાકોમાં યુવકને દબોચ્યો, હાથ જોડી માફી માંગતો વીડિયો જાહેર કરવો પડ્યો

થાણે:સોશિયલ મીડિયા પર સસ્તી લોકપ્રિયતા મેળવવા અથવા વગર વિચાર્યે મેસેજ ફોરવર્ડ કરવા ક્યારેક કેટલા ભારે પડી શકે છે, તેનો તાજો દાખલો થાણેના મુમ્બ્રા વિસ્તારમાં જોવા મળ્યો છે. "૧૨ વાગ્યાથી લોકડાઉન લાગુ થવાનું છે" તેવી ખોટી અફવા ફેલાવીને હજારો લોકોમાં ગભરાટ પેદા કરનાર એક યુવકની મુમ્બ્રા પોલીસે ધરપકડ કરી છે. આ અફવાને કારણે મોડી રાત્રે લોકો દવાઓ અને કરિયાણું ખરીદવા રસ્તા પર ઉતરી આવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો?
અરહમ ઉઝૈર અઝહરુદ્દીન નામના યુવકે એક વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેમાં તેણે દાવો કર્યો હતો કે, "અભી એક ખબર આયી હૈ, ૧૨ બાજે સે લોકડાઉન હૈ" (હમણાં જ સમાચાર મળ્યા છે કે ૧૨ વાગ્યાથી લોકડાઉન છે). એટલું જ નહીં, તેણે લોકોને અનિશ્ચિત મુદ્દત માટે ખાવા-પીવાની વસ્તુઓ અને દવાઓનો સ્ટોક કરી લેવાની પણ સલાહ આપી દીધી. આ વીડિયો આગની જેમ ફેલાઈ ગયો અને લોકોએ એકબીજાને ફોન કરીને ખરાઈ કર્યા વગર જ ગભરાટમાં ખરીદી શરૂ કરી દીધી હતી.
પોલીસની કડક કાર્યવાહી અને માફી
પરિસ્થિતિ વણસતી જોઈ મુમ્બ્રા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપી અરહમને શોધી કાઢ્યો હતો. પોલીસ કસ્ટડીમાં આવતા જ યુવકનો બધો નશો ઉતરી ગયો હતો. પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યા બાદ, તેણે જાહેરમાં હાથ જોડીને માફી માંગતો વીડિયો બનાવવો પડ્યો હતો. તેણે કબૂલાત કરી કે, "લોકડાઉન અંગે મેં જે વીડિયો બનાવ્યો હતો તે સંપૂર્ણપણે ખોટા સમાચાર હતા. મુમ્બ્રામાં કોઈ લોકડાઉન નથી અને હું અફવા ફેલાવવા બદલ માફી માંગુ છું."
અફવાઓથી સાવધ રહેવા અપીલ
મુમ્બ્રા પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર આવતા કોઈપણ મેસેજ પર આંખ મીંચીને વિશ્વાસ ન કરવો. ખાસ કરીને અત્યારે જ્યારે ઈરાન સંકટ અને અન્ય આંતરરાષ્ટ્રીય ઘટનાઓને કારણે માહોલ ગરમ છે, ત્યારે આવા ખોટા સમાચાર જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી શકે છે. અફવા ફેલાવનારાઓ સામે પોલીસ હવે વધુ કડક વલણ અપનાવી રહી છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
