News of Friday, 27th March 2026
જેવર એરપોર્ટ: ₹29,560 કરોડના ખર્ચે તૈયાર થતું ભારતનું સૌથી મોંઘું એવિએશન હબ
વડાપ્રધાન મોદી 28 માર્ચે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું કરશે ઉદ્ઘાટન: નવી મુંબઈ અને હૈદરાબાદને પાછળ છોડી જેવર બનશે એશિયાનું સૌથી મોટું અને અત્યાધુનિક છ રનવે ધરાવતું એરપોર્ટ

નવી દિલ્હી : ભારતના ઉડ્ડયન ઈતિહાસમાં કાલનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટના માત્ર પ્રથમ તબક્કા પાછળ ₹11,200 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ચાર તબક્કામાં પૂર્ણ થનારા આ એરપોર્ટ પાછળ કુલ ₹29,560 કરોડનું જંગી રોકાણ થવાનું છે. વર્ષ 2040 સુધીમાં જ્યારે આ એરપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર થશે, ત્યારે તે છ રનવે સાથે એશિયાના સૌથી મોટા એરપોર્ટ્સમાં સ્થાન પામશે, જે દિલ્હીના આઈજીઆઈ (IGI) એરપોર્ટ પરના ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટાડશે.
મોંઘા એરપોર્ટની રેસમાં જેવરને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફથી કડી ટક્કર મળી રહી છે. નવી મુંબઈ એરપોર્ટના પ્રથમ તબક્કા પાછળ ₹19,650 કરોડનો ખર્ચ થયો છે અને ભવિષ્યના વિસ્તરણ માટે વધારાના ₹30,000 કરોડની જરૂરિયાત છે. બીજી તરફ હૈદરાબાદનું રાજીવ ગાંધી એરપોર્ટ પણ ₹14,000 કરોડના ખર્ચે વિસ્તરણ પામી રહ્યું છે. જોકે, લાંબાગાળાના રોકાણ અને કુલ ભૌગોલિક વ્યાપની દ્રષ્ટિએ જેવર અત્યારે દેશનો સૌથી ખર્ચાળ એરપોર્ટ પ્રોજેક્ટ સાબિત થયો છે.
સંચાલન ખર્ચ અને પેસેન્જર ફીની વાત કરીએ તો દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ હજુ પણ સૌથી મોંઘું ગણાય છે, જ્યાં હાઈ લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે. પરંતુ, માળખાગત સુવિધાઓ અને આધુનિક ટેકનોલોજીના મામલે જેવર એરપોર્ટ એક નવો બેન્ચમાર્ક સેટ કરશે. આ એરપોર્ટ શરૂ થવાથી ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગમાં આર્થિક ક્રાંતિ આવવાની અને હજારો લોકોને રોજગારી મળવાની પૂરેપૂરી સંભાવના છે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
