<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

વિશ્વશાંતિનો નવો સૂર્યોદય: "મોદીજી, હવે તમે જ આ યુદ્ધ અટકાવી શકો છો,": યુરોપિયન થિંક ટેન્કની આર્તદ્ર અપીલ

મધ્ય પૂર્વના રણમેદાનમાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ભભૂકતી જ્વાળાઓને શાંત કરવા વૈશ્વિક નિષ્ણાતોની ભારત પર નજર : ટ્રમ્પની ૧૦ દિવસની 'યુદ્ધ-વિરામ'ની મહેતલ વચ્ચે પીએમ મોદીને 'ગ્લોબલ પીસમેકર' તરીકેની ભૂમિકા ભજવવા ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપ અને અમેરિકી રક્ષા નિષ્ણાતોનું જાહેર આહ્વાન

બ્રસેલ્સ:   જ્યારે વિશ્વના શક્તિશાળી રાષ્ટ્રો મધ્ય પૂર્વના યુદ્ધમાં પક્ષ લેવામાં વ્યસ્ત છે, ત્યારે બેલ્જિયમ સ્થિત પ્રતિષ્ઠિત યુરોપિયન થિંક ટેન્ક 'ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપ' એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ભયાનક સંઘર્ષ રોકવા માટે મધ્યસ્થી કરવાની ભાવુક અપીલ કરી છે. ઈરાન પ્રોજેક્ટના ડાયરેક્ટર અલી વાએઝે ભારપૂર્વક જણાવ્યું છે કે પીએમ મોદીના ઈરાન, ઈઝરાયેલ, રશિયા અને અમેરિકા એમ તમામ પક્ષો સાથેના ગાઢ અને સંતુલિત સંબંધો જ આ અશક્ય જણાતા યુદ્ધવિરામને શક્ય બનાવી શકે તેમ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની ઉર્જા મથકો પર હુમલો કરવા પર ૧૦ દિવસની જે કામચલાઉ રોક લગાવી છે, તે સમયગાળાનો ઉપયોગ કરીને ભારત એક 'વિશ્વસનીય સેતુ' બનીને વૈશ્વિક અર્થતંત્રને તબાહ થતું બચાવી શકે છે તેવી આશા વિશ્વભરના મુત્સદ્દીઓ વ્યક્ત કરી રહ્યા છે.

આ અપીલ પાછળ માત્ર રાજકીય નહીં પણ ગંભીર આર્થિક કારણો પણ જવાબદાર છે. નિષ્ણાતોના મતે જો હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બંધ થાય તો તેની અસર દાયકાઓ સુધી રહેશે. અલી વાએઝે ચેતવણી આપી છે કે કતાર જેવી ઉર્જા શક્તિએ પહેલેથી જ તેની ૧૭% ગેસ ઉત્પાદન ક્ષમતા ગુમાવી દીધી છે, જેને ફરી ઊભી કરવામાં વર્ષો વીતી જશે. અમેરિકાના ટોચના રક્ષા નિષ્ણાત ડગ્લાસ મેકગ્રેગરે પણ ભાર મૂક્યો છે કે પાકિસ્તાન જેવી અસ્થિર શક્તિઓ આમાં નિષ્ફળ રહી છે, પરંતુ ભારતની 'પરિપક્વ લોકશાહી' અને પીએમ મોદી પરનો વૈશ્વિક વિશ્વાસ જ ઈરાન અને અમેરિકાને ટેબલ પર લાવી શકે છે. ભારત અત્યારે માત્ર એક ઉભરતી આર્થિક શક્તિ નથી, પરંતુ એક એવું નૈતિક બળ છે જે યુદ્ધખોર માનસિકતાને શાંત કરવાની ક્ષમતા ધરાવે છે.

વ્યૂહાત્મક દૃષ્ટિએ જોવામાં આવે તો, પીએમ મોદી માટે આ એક સુવર્ણ તક અને પડકાર બંને છે. જો ભારત આ સંઘર્ષમાં સફળ મધ્યસ્થી કરે છે, તો તે ૨૧મી સદીના નવા વિશ્વક્રમમાં 'વિશ્વગુરુ' તરીકેની છબીને વધુ મજબૂત કરશે. ટ્રમ્પના શાસનકાળમાં જ્યારે અમેરિકા ક્યારેક નરમ તો ક્યારેક ગરમ વલણ અપનાવી રહ્યું છે, ત્યારે ભારતની તટસ્થતા જ ઈરાનના સર્વોચ્ચ નેતાઓને મંત્રણા માટે રાજી કરી શકે છે. વિશ્વના નિષ્ણાતો માને છે કે જો દિલ્હીથી તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે 'હોટલાઈન' સક્રિય થાય, તો તે માત્ર તેલના ભાવોને જ સ્થિર નહીં કરે, પરંતુ લાખો નિર્દોષ લોકોના જીવ બચાવીને ત્રીજા વિશ્વયુદ્ધના ભયને કાયમ માટે ટાળી શકશે.

(10:20 PM IST)