<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

આકાશમાં અભેદ્ય કવચ: VVIP ફ્લાઇટ્સ માટે DGCAનું 'મિશન ઝીરો ટોલરન્સ'

મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ હવે વધુ સુરક્ષિત: હેલિકોપ્ટર અકસ્માતોની હારમાળા બાદ ઉડ્ડયન નિયામકે જાહેર કરી લોખંડી ગાઈડલાઈન: કામચલાઉ હેલિપેડથી લઈને પાયલોટના અનુભવ સુધીના તમામ પાસાઓ પર રહેશે બાજ નજર

નવી દિલ્હી:  ભારતના આકાશમાં ઉડતા અતિ મહત્વના વ્યક્તિઓ ની સુરક્ષાને લઈને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય એ આરપારની લડાઈ શરૂ કરી છે. ભૂતકાળમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતો અને ખાસ કરીને ચૂંટણી ટાણે નેતાઓની દોડધામ વચ્ચે સર્જાતા જોખમોને જોતા હવે નવા કડક નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. હવેથી કોઈપણ નેતા કે રાજ્યપાલની ઉડાન પહેલા વિમાનનું ટેકનિકલ ઓડિટ માત્ર ઔપચારિકતા નહીં રહે, પરંતુ તેની ઝીણવટભરી તપાસનો રિપોર્ટ જમા કરાવવો પડશે. ચૂંટણીલક્ષી સભાઓ માટે ખેતરો કે મેદાનોમાં બનતા કામચલાઉ હેલિપેડ્સ હવે DGCA ના સ્કેનર હેઠળ રહેશે, જેથી ધૂળની ડમરીઓ કે અસંતુલિત જમીનને કારણે લેન્ડિંગ વખતે થતી દુર્ઘટનાઓ અટકાવી શકાય.

આ નવી માર્ગદર્શિકા મુજબ, ચાર્ટર્ડ ફ્લાઇટ્સ અને પ્રાઈવેટ હેલિકોપ્ટર ઓપરેટરોએ પાયલોટની પસંદગીમાં પણ વિશેષ તકેદારી રાખવી પડશે. માત્ર અનુભવી પાયલોટ્સ જ VVIP ડ્યુટી પર જઈ શકશે અને ખરાબ હવામાનમાં જોખમ લેનારા ઓપરેટરોનું લાયસન્સ તાત્કાલિક રદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. DGCA એ સ્પષ્ટ કર્યું છે કે વીઆઈપી સંસ્કૃતિના દબાણમાં આવીને સલામતીના પ્રોટોકોલ સાથે બાંધછોડ કરનાર કોઈપણ એજન્સી સામે ગુનાહિત કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને પહાડી વિસ્તારો અને ચોમાસા દરમિયાન થતી ઉડાનો માટે હવે 'રૂટ ક્લિયરન્સ' લેવું ફરજિયાત બનશે, જે સીધું દિલ્હી સ્થિત હેડક્વાર્ટરથી મોનિટર થશે.

સરકારનું આ પગલું ઉડ્ડયન ક્ષેત્રે 'સેફ્ટી ફર્સ્ટ'ના અભિગમને મજબૂત બનાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માર્ગદર્શિકાના પાલન માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે જે અચાનક એરપોર્ટ્સ અને એરસ્ટ્રીપ્સ પર જઈને ઈન્સ્પેક્શન કરશે. આ કડક વલણ પાછળનો હેતુ એ છે કે દેશના વહીવટીતંત્રના વડાઓ જ્યારે આકાશમાં હોય ત્યારે ટેકનિકલ ખામી કે માનવીય ભૂલને કારણે દેશને કોઈ મોટી ખોટ ન પડે. હવે જોવાનું એ રહેશે કે આ નિયમોના અમલીકરણ બાદ ખાનગી ઓપરેટરો તેમની સેવાની ગુણવત્તામાં કેટલો સુધારો લાવે છે.

(10:28 PM IST)