News of Saturday, 28th March 2026
બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇન્ડોનેશિયામાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશ્યલ મિડીયા ઉપર પ્રતિબંધ
ઓનલાઇન પોર્નોગ્રાફી, સાયબર ધમીકઓ, ઓનલાઇન છેતરતીંડી સહિતના દુષણ સામે નિર્ણય

નવી દિલ્હી તા. ર૮ :.. બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇન્ડોનેશિયા સરકારે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. શનિવાર, ૨૮ માર્ચ ૨૦૨૬ થી દેશમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર સત્તાવાર રીતે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ સાથે ઇન્ડોનેશિયા દક્ષિણ-પૂર્વ એશિયાનો આવો કડક પ્રતિબંધ મૂકનારો પ્રથમ દેશ બન્યો છે.
ઇન્ડોનેશિયા સરકારે આ પ્રતિબંધ પાછળ ઓનલાઈન પોર્નોગ્રાફી, સાયબર ધમકીઓ, ઓનલાઈન છેતરપિંડી અને ઈન્ટરનેટના ભયાનક વ્યસનને મુખ્ય કારણો ગણાવ્યા છે. સંચાર અને ડિજિટલ માહિતી મંત્રી મેઉત્યા હફીદે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ડિજિટલ પ્લેટફોર્મ્સ માટે આ નિયમોના પાલન બાબતે ઁકોઈ પણ પ્રકારની બાંધછોડઁ કરવામાં આવશે નહીં.
આ નવા નિયમ હેઠળ તમામ લોકપ્રિય અને હાઈ-રિસ્ક ગણાતા પ્લેટફોર્મ્સ જેવા કે YouTube, TikTok, Facebook, Instagram, Threads, X (ટ્વિટર), Bigo Live અને Roblox નો સમાવેશ થાય છે. મંત્રીએ જણાવ્યું કે X અને Bigo Live એ પહેલેથી જ તેમની લઘુત્તમ વય મર્યાદાના નિયમોમાં ફેરફાર કરીને સરકારના આદેશનું પાલન શરૂ કરી દીધું છે. ટિકટોકે પણ એક નિવેદન બહાર પાડીને સરકાર સાથે સહકાર આપવાની અને ૧૬ વર્ષથી નીચેના ખાતાઓને ઓળખીને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
ઇન્ડોનેશિયાની અંદાજે ૨૮ કરોડની વસ્તીમાં આશરે ૭ કરોડ બાળકો છે, જેમને આ કાયદાની સીધી અસર થશે. મંત્રી હફીદે સ્વીકાર્યું હતું કે આટલી મોટી સંખ્યામાં બાળકોના એકાઉન્ટ્સને ડીએક્ટિવેટ કરાવવા અને પ્લેટફોર્મ્સ પાસે રિપોર્ટ મંગાવવો એ એક મુશ્કેલ કાર્ય છે, પરંતુ બાળકોના ભવિષ્યને બચાવવા માટે આ પગલું ભરવું અનિવાર્ય છે.
બાળકો પર સોશિયલ મીડિયાની હાનિકારક અસરોને લઈને વિશ્વભરમાં ચિંતા વધી રહી છે. ઇન્ડોનેશિયા પહેલા ઓસ્ટ્રેલિયાએ ગત ડિસેમ્બરમાં જ વિશ્વનો આવો પ્રથમ પ્રતિબંધ અમલી બનાવ્યો હતો. બ્રિટન, ફ્રાન્સ અને સ્પેન જેવા દેશો પણ બાળકો માટે સોશિયલ મીડિયા મર્યાદિત કરવા પર વિચાર કરી રહ્યા છે. તાજેતરમાં જ અમેરિકાના લોસ એન્જલસમાં એક જ્યુરીએ મેટા અને યુટયુબને તેમની વ્યસનકારક ડિઝાઈન દ્વારા એક યુવતીને નુકસાન પહોંચાડવા બદલ ૬ મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો હતો.
ઇન્ડોનેશિયામાં ઘણા વાલીઓએ આ નિર્ણયને આવકાર્યો છે. કેટલાક વાલીઓનું કહેવું છે કે સોશિયલ મીડિયાને કારણે તેમણે બાળકો પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને બાળકો ફોન વગર જમવા જેવી સામાન્ય ક્રિયાઓ પણ કરતા નથી. નિષ્ણાતોના મતે, સોશિયલ મીડિયા બાળકોમાં ડિપ્રેશન અને ચિંતા વધારી શકે છે, તેથી તેમને ડિજિટલ દુનિયાના બદલે વાસ્તવિક દુનિયા સાથે જોડવા અને મેદાનમાં રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
