<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

વૈશ્વિક ઉર્જા જાયન્ટ્સ ફરી મેદાને : તેલ અને ગેસના નવા ભંડારો શોધવા માટે વિશ્વભરમાં કરોડો ડોલરનું રોકાણ વધારવાની જાહેરાત

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને પગલે સર્જાયેલી અછત નિવારવા હ્યુસ્ટન કોન્ફરન્સમાં એક્ઝિક્યુટિવ્સનો હુંકાર : ટેકનોલોજીની મદદથી હવે પાંચ વર્ષના બદલે માત્ર બે વર્ષમાં જ નવા કુવાઓમાંથી ઉત્પાદન શરૂ કરાશે

હ્યુસ્ટન: અમેરિકાના હ્યુસ્ટન ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત 'CERAWeek' કોન્ફરન્સમાં વિશ્વની અગ્રણી ઉર્જા કંપનીઓના વડાઓએ એક સૂરે જાહેર કર્યું છે કે, હવે ઉદ્યોગ ફરીથી તેના મૂળભૂત કાર્ય એટલે કે તેલ અને ગેસના નવા ભંડારોની શોધ (Exploration) તરફ પરત ફરી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી રિન્યુએબલ એનર્જી પાછળના રોકાણને કારણે પરંપરાગત ઈંધણના સંશોધનમાં જે ઘટાડો થયો હતો, તેને હવે યુદ્ધના ધોરણે વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે. ખાસ કરીને વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ અને તેલની વધતી માંગને પહોંચી વળવા માટે આ પગલું અનિવાર્ય બન્યું છે.

યુદ્ધ અને સપ્લાય ચેઈનનું સંકટ:
નિષ્ણાતોના મતે, અમેરિકા - ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે વૈશ્વિક સ્તરે ઉર્જા સુરક્ષાનું મહત્વ વધારી દીધું છે. સપ્લાયમાં લાંબા સમય સુધી અછત રહેવાની ભીતિ વચ્ચે નવી શોધ જ એકમાત્ર ઉપાય છે. રેપ્સોલ (Repsol) કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફ્રાન્સિસ્કો ગિયાએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા કોઈ નવા ભંડારો વિશે વાત કરતું નહોતું, પરંતુ હવે આપણે વર્તમાન ઉત્પાદન સામે નવા ભંડારો ઊભા કરવા જ પડશે. ઓક્સિડેન્ટલના સીઈઓ વિકી હોલુબના જણાવ્યા મુજબ, ઉદ્યોગ અત્યારે વાર્ષિક ઉત્પાદન સામે માત્ર ૨૫% થી પણ ઓછો નવો જથ્થો ઉમેરી રહ્યો છે, જે ચિંતાજનક છે.

ટેકનોલોજી અને ઝડપ પર ભાર:
નવી શોધમાં સમય બચાવવા માટે કંપનીઓ હવે અત્યાધુનિક ટેકનોલોજીનો સહાય લઈ રહી છે. નોર્વેની ઈક્વિનોર (Equinor) કંપનીના સીઈઓ એન્ડર્સ ઓપેડલે જણાવ્યું હતું કે, તેઓ શોધથી લઈને પ્રથમ તેલ ઉત્પાદન સુધીનો સમયગાળો પાંચ-છ વર્ષથી ઘટાડીને માત્ર બે-ત્રણ વર્ષ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ માટે આંતરિક મંજૂરી પ્રક્રિયાઓ અને સપ્લાયર્સ સાથેની કાર્યપદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે. એક્સન મોબિલ પણ ૨૦૩૦ સુધીમાં રોજનું ૫.૫ મિલિયન બેરલ તેલ અને ગેસ ઉત્પાદન કરવાના લક્ષ્યાંક સાથે ઝડપથી આગળ વધી રહી છે.

બ્રાઝિલ, બ્રિટન અને અંગોલામાં નવી હિલચાલ:
બ્રિટિશ જાયન્ટ BP એ ૨૦૨૫ માં બ્રાઝિલ, ઇજિપ્ત અને યુએસ ગલ્ફ સહિત કુલ ૧૨ નવી શોધોની જાહેરાત કરી છે. બીજી તરફ, શેલ (Shell) કંપની આગામી દાયકામાં ઉત્પાદનમાં આવનારી ૩.૫ લાખ થી ૮ લાખ બેરલની ઘટને પહોંચી વળવા વેનેઝુએલા જેવા દેશોમાં નવા પ્રોજેક્ટ્સ પર વિચાર કરી રહી છે. આફ્રિકાના દેશ અંગોલાએ પણ શોધ પ્રક્રિયાને વેગ આપવા લાયસન્સિંગનો સમયગાળો ૧૮ મહિનાથી ઘટાડીને માત્ર ૬ મહિના કરી દીધો છે, જે આગામી સમયમાં ૩ મહિના સુધી લઈ જવાની યોજના છે.

નિષ્ણાતો માને છે કે માત્ર અન્ય કંપનીઓ ખરીદીને (M&A) ભંડાર વધારવાની વ્યૂહરચના હવે લાંબો સમય ચાલશે નહીં, કારણ કે મોટાભાગના પ્રભાવશાળી સોદાઓ થઈ ચૂક્યા છે. હવે ઉદ્યોગ માટે ભૂસ્તરશાસ્ત્ર અને નવી જગ્યાઓ પર ડ્રિલિંગ કરવું એ જ એકમાત્ર વિકલ્પ છે.

(5:54 PM IST)