<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

રાજકોટની આર.કે. યુનિવર્સિટી ખાતે ‘વિક્સિત ભારત યુવા સંવાદ’ સંપન્ન : કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાંથી પ્રેરણા લેવા કર્યું આહવાન

ગુલામીની માનસિકતા છોડી ‘નેશન ફર્સ્ટ’ની ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા યુવા શક્તિને હાકલ : ધારાસભ્ય ઉદય કાનગડ અને દર્શિતાબેન શાહની પ્રેરક ઉપસ્થિતિમાં ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ સાથે ડો. માંડવિયાએ યોજ્યો રચનાત્મક પ્રશ્નોત્તરી સંવાદ

રાજકોટ: રાજકોટના આંગણે આજે આર.કે. યુનિવર્સિટી ખાતે “વિક્સિત ભારત યુવા સંવાદ” કાર્યક્રમનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ અને રોજગાર કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાનોની ભાગીદારી અને તેમના વિચારોને જાણવાનો હતો.

માનસિકતામાં પરિવર્તન અને રાષ્ટ્રભક્તિનો સંદેશ:
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ યુવાનોને પ્રેરણાદાયી સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતને ખરા અર્થમાં વિકસિત અને સમૃદ્ધ બનાવવા માટે સૌપ્રથમ આપણા માઇન્ડસેટ એટલે કે માનસિકતામાં પરિવર્તન લાવવું અનિવાર્ય છે. તેમણે યુવાનોને ‘અમે સમૃદ્ધ ભારત બનાવીશું’ તેવા દૃઢ સંકલ્પ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીએ વિશેષ ભાર મૂકતા કહ્યું કે, હવે સમય પાકી ગયો છે કે આપણે ગુલામીની માનસિકતાનો ત્યાગ કરીએ અને આપણી ભવ્ય ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાઓમાંથી પ્રેરણા મેળવીને વિશ્વ સમક્ષ ભારતનું સામર્થ્ય પ્રદર્શિત કરીએ.

જવાબદારીનું વહન અને નિષ્ઠાપૂર્વકનું કાર્ય:
ડો. માંડવિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશના સર્વાંગી વિકાસ માટે દરેક નાગરિકે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ, જે આજના સમયનો તકાદો છે. ‘Nation First’ એટલે કે રાષ્ટ્ર પ્રથમની ભાવના જો જીવનમાં વણાઈ જાય, તો વ્યક્તિ માત્ર સારો નાગરિક જ નથી બનતો, પરંતુ પોતાના અંગત લક્ષ્યો પણ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પદ કે સત્તા એ અંતિમ લક્ષ્ય નથી, પરંતુ તે જનસેવા અને રાષ્ટ્રના ગંતવ્ય સુધી પહોંચવા માટેનું માત્ર એક સાધન છે.

પ્રશ્નોત્તરી અને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાણ:
કાર્યક્રમના અંતિમ ચરણમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ડો. મનસુખભાઈ માંડવિયા વચ્ચે એક જીવંત અને રચનાત્મક પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર પ્રશ્નો પૂછી મંત્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આ તકે મંત્રીએ યુવાનોને ભારત સરકારના ‘My Bharat’ ડિજિટલ પ્લેટફોર્મ સાથે વધુમાં વધુ સંખ્યામાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન NCCના સ્વયંસેવકો દ્વારા ડો. માંડવિયાને એક આકર્ષક પેઇન્ટિંગ ભેટમાં આપવામાં આવ્યું હતું, જ્યારે RKU સોશિયલ ક્લબ દ્વારા ‘બાયોડાયવર્સિટી બુક’ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ તેમજ દર્શિતાબેન શાહ પણ ખાસ ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. અંતમાં, યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ વાયસ પ્રેસિડેન્ટ દેનિશ પટેલે તમામ અતિથિઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

(6:20 PM IST)