<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'મન કી બાત'ના ૧૩૨મા એપિસોડ નિમિત્તે ગુજરાત ભાજપનો 'ટિફિન કે સાથ' વિશેષ કાર્યક્રમ : રાજ્યના ૫૮૦ મંડલોમાં જામશે જમાવટ

બેચરાજીમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને અમદાવાદના મેમનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજશે : પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી આણંદના ઉમરેઠમાં ઉપસ્થિત રહી સંવાદ કરશે

ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના આગામી ૧૩૨મા એપિસોડને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા એક વિશેષ સંગઠનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૯ માર્ચ, રવિવારના રોજ રાજ્યના તમામ ૫૮૦ મંડલોમાં 'મન કી બાત, ટિફિન કે સાથ' કાર્યક્રમ યોજાશે. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પક્ષના પદાધિકારીઓથી લઈને બુથ સ્તરના કાર્યકર્તાઓ એકસાથે મળીને વડાપ્રધાનના વિચારો સાંભળશે અને ત્યારબાદ ટિફિન બેઠક દ્વારા પરસ્પર સંવાદ કરશે.

મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમો:
ભાજપના પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા રવિવારે સવારે ૧૦:૩૦ કલાકે મહેસાણા જિલ્લાના શક્તિપીઠ બહુચરાજી મંદિર ખાતે દર્શન-પૂજન કરશે. ત્યારબાદ સવારે ૧૧:૦૦ કલાકે તેઓ બેચરાજીમાં શ્રી વલ્લભ ભટ્ટની વાવ ખાતે કાર્યકર્તાઓ સાથે 'મન કી બાત' સાંભળશે અને ત્યારબાદ ટિફિન બેઠકમાં સહભાગી થઈ માર્ગદર્શન આપશે. બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી એચ. બી. કાપડિયા સ્કૂલ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.

સંગઠન મહામંત્રી આણંદમાં આપશે હાજરી:
પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે આવેલા ભાવિક ફાર્મ, માંગલ્ય પાર્ટી પ્લોટમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ ત્યાં સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેસીને વડાપ્રધાનના સંબોધનને સાંભળશે અને સંગઠનાત્મક વિષયો પર ચર્ચા કરશે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ મંડલોમાં નિયુક્ત કરાયેલા વક્તાઓ અને આગેવાનો પોતપોતાના સ્થાનો પર હાજર રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડશે.

બુથ સ્તર સુધી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ:
'મન કી બાત, ટિફિન કે સાથ' કાર્યક્રમનો મુખ્ય હેતુ કાર્યકર્તાઓમાં એકતા અને સંવાદ વધારવાનો છે. આ કાર્યક્રમમાં ચૂંટાયેલા સભ્યો, પ્રદેશના પદાધિકારીઓ અને બુથ સ્તરના કાર્યકર્તાઓ પોતપોતાના ઘરેથી ટિફિન લાવીને સાથે ભોજન લેશે, જેનાથી પક્ષના પાયાના કાર્યકર્તાઓ સાથેનો સંપર્ક વધુ મજબૂત બનશે. પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળાના જણાવ્યા અનુસાર, આ આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર રાજ્યમાં વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

(7:51 PM IST)