<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

પંજાબમાં ૧૫ વર્ષથી છુપાયેલા 'સ્લીપર સેલ'નો પર્દાફાશ: માલેરકોટલામાંથી બે ખતરનાક આતંકવાદીઓ ઝડપાયા

પાકિસ્તાની નાગરિક હોવાની શંકા ધરાવતા અબ્બુ ગાબા અને ઉસ્માન શેરવાની કોટ ગામમાં સામાન્ય ભાડૂઆત બનીને રહેતા હતા: ડ્રગ્સના કેસની તપાસમાં જમ્મુ-કાશ્મીરના વોન્ટેડ આતંકવાદીઓ હોવાનું ખુલતા સુરક્ષા એજન્સીઓ સ્તબ્ધ

માલેરકોટલા:  પંજાબના શાંત ગણાતા માલેરકોટલા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓએ એક મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. પંજાબ પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ છેલ્લા દોઢ દાયકાથી પોતાની ઓળખ છુપાવીને ભારતમાં રહેતા હતા. આ ઓપરેશનની શરૂઆત ત્યારે થઈ જ્યારે માલેરકોટલા પોલીસે ડ્રગ્સના એક કેસમાં સ્થાનિક તસ્કરની ધરપકડ કરી અને તેની પૂછપરછમાં આ બે શંકાસ્પદ વ્યક્તિઓના નામ સામે આવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે આ બંને જમ્મુ-કાશ્મીર પોલીસની 'મોસ્ટ વોન્ટેડ' યાદીમાં સામેલ આતંકવાદીઓ છે.

ધરપકડ કરાયેલા શંકાસ્પદોની ઓળખ અબ્બુ ગાબા હુરૈરાહ અને ઉસ્માન તરીકે થઈ છે, જેઓ શેરવાની કોટ ગામમાં લાંબા સમયથી ભાડૂઆત તરીકે રહેતા હતા. આશ્ચર્યની વાત એ છે કે, તેઓ ૧૫ વર્ષ પહેલાં સરહદ પાર કરીને ભારતમાં ઘૂસ્યા હતા અને ત્યારથી અલગ-અલગ શહેરોમાં વસવાટ કરી રહ્યા હતા. સ્થાનિક ગ્રામજનો પણ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા છે, કારણ કે આ બંને વ્યક્તિઓ એટલી સહજતાથી રહેતા હતા કે કોઈને પણ તેમની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કે પાકિસ્તાની કનેક્શન પર શંકા ગઈ નહોતી. ગામના સરપંચ સિમરનજીત સિંહે પોલીસ કાર્યવાહીની પુષ્ટિ કરી છે, જોકે સુરક્ષાના કારણોસર ઉચ્ચ અધિકારીઓ હજુ મૌન સેવી રહ્યા છે.

માલેરકોટલાની સીઆઈએ  વિંગ દ્વારા કરવામાં આવેલા આ દરોડા બાદ બંને આતંકીઓને વધુ પૂછપરછ માટે જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવામાં આવ્યા છે. આ ધરપકડ બાદ એ પ્રશ્ન ઉભો થયો છે કે આટલા લાંબા સમય સુધી તેઓ સુરક્ષા એજન્સીઓની નજરથી કેવી રીતે બચી શક્યા અને તેમના અન્ય કેટલા સાથીદારો પંજાબ કે અન્ય રાજ્યોમાં 'સ્લીપર સેલ' તરીકે સક્રિય છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ૧૫ વર્ષના આ ગાળા દરમિયાન તેમણે ભારતની આંતરિક સુરક્ષાને કેટલું નુકસાન પહોંચાડ્યું છે અને તેમની પાસે કયા કયા ભારતીય દસ્તાવેજો હતા.

(7:54 PM IST)