<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે બહેરીનમાં સત્તા પરિવર્તનના ભણકારા: શિયા વસતીમાં આક્રોશ: અમેરિકી મિલિટ્રી બેઝ પર જોખમ: ૨૦૧૧ જેવી આરબ ક્રાંતિનો ડર

બહેરીનની વસતીમાં અંદાજે ૬૦ ટકા લોકો શિયા મુસ્લિમ સમુદાયના છે, જ્યારે શાસનની ધુરા લઘુમતી ગણાતા સુન્ની શાસકોના હાથમાં છે: ઈરાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો એક બહોળો વર્ગ રસ્તા પર ઉતરી આવ્યો: મોટાપાયે દેખાવો: દેશદ્રોહ, જાસૂસી અને રાજશાહી વિરુદ્ધ નફરત ફેલાવવાના આરોપસર અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ લોકોની અટકાયત:

બહેરીન: પશ્ચિમ એશિયામાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની જ્વાળાઓ હવે નાના પણ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા ખાડી દેશ બહેરીનમાં પણ ફેલાઈ રહી છે. બહેરીનમાં શાસક વર્ગ અને સ્થાનિક નાગરિકો વચ્ચે આંતરિક વિખવાદ અને સત્તા સામેનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સત્તા પરિવર્તનના ભણકારા વાગી રહ્યા છે. 

 

બહેરીનની વસતીમાં અંદાજે ૬૦ ટકા લોકો શિયા મુસ્લિમ સમુદાયના છે, જ્યારે શાસનની ધુરા લઘુમતી ગણાતા સુન્ની શાસકોના હાથમાં છે. વર્તમાન યુદ્ધે આ જૂના સામાજિક ઘાને ફરીથી તાજા કરી દીધા છે. ઈરાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો એક બહોળો વર્ગ રસ્તા પર ઉતરી આવ્યો છે અને દેખાવો કરી રહ્યો છે.

 

સ્થાનિક સરકાર દ્વારા ગત ૨૮ મી ફેબ્રુઆરીથી અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. દેશદ્રોહ, જાસૂસી અને રાજશાહી વિરુદ્ધ નફરત ફેલાવવાના આરોપસર અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ તણાવમાં ત્યારે વધારો થયો જ્યારે ૩૨ વર્ષીય શિયા એક્ટિવિસ્ટ મોહમ્મદ અલમોસાવીનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોત નીપજ્યું. 

 

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે તેમને કસ્ટડીમાં ભારે યાતનાઓ આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઈરાન કે યુદ્ધના સમર્થનમાં પોસ્ટ કરનારાઓ સામે પણ આકરા પગલાં લેવાઈ રહ્યા છે. 

 

નોંધનીય છે કે બહેરીનમાં અમેરિકાના ફિફ્થ ફ્લીટનું મુખ્ય સૈન્ય મથક આવેલું છે અને બહેરીન સરકારે ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કર્યા છે, જેથી સ્થાનિક શિયા સમુદાયમાં ભારે નારાજગી છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો આ સંઘર્ષ લાંબો ચાલશે, તો બહેરીનમાં વર્ષ ૨૦૧૧ માં થયેલા 'આરબ સ્પ્રિંગ' (ક્રાંતિ) જેવી સ્ફોટક સ્થિતિનું ફરીથી નિર્માણ થઈ શકે છે અને દેશ મોટા રાજકીય સંકટમાં ફસાઈ શકે છે.

 

(8:54 PM IST)