લગ્નના ૨૦ દિ' પહેલા આરતીનો આપઘાત 2:40 PM
નેપાળના રાજકારણમાં મહાસંગ્રામ: પૂર્વ પીએમ કેપી શર્મા ઓલી જેલના સળિયા પાછળ:બાલેન શાહ સરકાર પર 'બદલાની રાજનીતિ'નો આરોપ
સપ્ટેમ્બરના લોહીયાળ 'જનરલ-ઝેડ' આંદોલનમાં 77 લોકોના મોત મામલે ઓલીની ધરપકડ; નવા વડાપ્રધાન બાલેન શાહના શપથ ગ્રહણ સાથે જ નેપાળના કદાવર નેતા પર શિકંજો કસાતા કાઠમંડુમાં તણાવ

કાઠમંડુ: નેપાળના રાજકીય ઈતિહાસમાં શનિવારનો દિવસ અત્યંત વિસ્ફોટક સાબિત થયો છે. પૂર્વ વડાપ્રધાન અને પ્રભાવશાળી નેતા કેપી શર્મા ઓલીની ધરપકડ કરવામાં આવતા સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ છે. ઓલીની સાથે પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખરને પણ સપ્ટેમ્બરમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને તેમાં થયેલા નિર્દોષોના મોત બદલ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ધરપકડ બાદ જેલના સળિયા પાછળથી ઓલીએ વળતો પ્રહાર કરતા આ આખી કાર્યવાહીને નવી સરકારનો 'રાજકીય બદલો' ગણાવ્યો છે. તેમણે પોતાના વકીલોને આદેશ આપ્યો છે કે આ 'બદલાની રાજનીતિ' સામે કાયદાકીય જંગ છેડવામાં આવે, કારણ કે તેઓ હિંસામાં પોતાની કોઈપણ સંડોવણી હોવાનો ઈન્કાર કરી રહ્યા છે.
આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે નેપાળમાં ૨૦૨૫ના જન આંદોલન બાદ સત્તા પરિવર્તન થયું છે અને યુવા નેતા બાલેન શાહે વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. નેપાળમાં ગત સપ્ટેમ્બરમાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ અને વધતા ભ્રષ્ટાચાર સામે 'જનરલ-ઝેડ' (યુવા પેઢી) એ ઉગ્ર આંદોલન છેડ્યું હતું. ૮ અને ૯ સપ્ટેમ્બરના રોજ કાઠમંડુની શેરીઓ રણમેદાન બની ગઈ હતી, જેમાં સરકારી આંકડા મુજબ ૭૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ સંસદ ભવન અને સરકારી ઈમારતોને આગ ચાંપી દેતા ઓલી સરકારનું પતન થયું હતું. હવે નવી સરકાર તે હિંસા માટે ઓલીની 'ગુનાહિત બેદરકારી'ને જવાબદાર માની રહી છે.
પોલીસનું કહેવું છે કે આ ધરપકડ સંપૂર્ણપણે કાયદાકીય પુરાવાઓના આધારે કરવામાં આવી છે અને તેમાં કોઈ રાજકીય દબાણ નથી. જોકે, ઓલીના સમર્થકો આને લોકશાહીની હત્યા ગણાવી રહ્યા છે. નેપાળમાં લાંબા સમય સુધી રાજકીય વર્ચસ્વ ભોગવનાર ઓલી માટે આ સૌથી મોટો પડકાર છે. એક તરફ બાલેન શાહ નવી વ્યવસ્થા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ ઓલી જેલમાંથી જ પોતાની રાજકીય શક્તિ એકઠી કરી રહ્યા છે. આગામી દિવસોમાં કાઠમંડુની અદાલતોમાં આ હાઈ-પ્રોફાઈલ કેસની સુનાવણી દરમિયાન નેપાળમાં ફરી એકવાર આંદોલનના ભડકા ઉઠે તેવી શક્યતા સુરક્ષા એજન્સીઓ સેવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
