<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

વૈશ્વિક યુદ્ધના વાદળો અને મોંઘવારીના ફફડાટ વચ્ચે બુલિયન માર્કેટમાં જબરદસ્ત વોલેટિલિટી, ચાંદીના ભાવમાં પણ રૂ.૩૧,૧૪૬નો તોતિંગ ઘટાડો થયા બાદ ફરી તેજીના સંકેત, લગ્નની સીઝન પૂર્વે ગ્રાહકોમાં ભારે ઉત્તેજના અને અસમંજસનો માહોલ

 

 

નવી દિલ્‍હીઃ સ્થાનિક અને વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં છેલ્લા ૧૦ દિવસમાં જે પ્રકારે ગાબડાં પડ્યા છે તેણે રોકાણકારો અને સામાન્ય ગ્રાહકોને ચોંકાવી દીધા છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના સત્તાવાર આંકડાઓ મુજબ, ગત ૧૬ માર્ચ ૨૦૨૬ના રોજ ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ.૧,૫૬,૪૩૬ પ્રતિ ૧૦ ગ્રામની સર્વોચ્ચ સપાટી પર હતો, જે ૨૭ માર્ચ સુધીમાં ઘટીને રૂ.૧,૪૨,૯૪૨ પર આવી ગયો છે. માત્ર ૧૦ દિવસના ટૂંકા ગાળામાં સોનામાં રૂ.૧૩,૪૯૪નો મોટો ઘટાડો નોંધાતા ઘરેણાં ખરીદનારાઓમાં દોડધામ મચી ગઈ છે. જોકે, નિષ્ણાતો માની રહ્યા છે કે આ ઘટાડો લાંબો સમય ટકશે નહીં, કારણ કે બજાર ફરી રિકવરીના મોડમાં દેખાઈ રહ્યું છે.
સોનાની જેમ જ ચાંદીના ભાવમાં પણ મોટું ધોવાણ જોવા મળ્યું છે, જેણે ઔદ્યોગિક એકમો અને નાના રોકાણકારોને આકર્ષ્યા છે. ૧૬ માર્ચની સવારે એક કિલો ચાંદીનો ભાવ રૂ.૨,૫૨,૭૯૩ના સ્તરે હતો, જે શુક્રવાર સુધીમાં ઘટીને રૂ.૨,૨૧,૬૪૭ થયો છે. એટલે કે ચાંદીમાં સીધો રૂ.૩૧,૧૪૬નો ધરખમ ઘટાડો નોંધાયો છે. જોકે, આશ્ચર્યજનક બાબત એ છે કે ગત અઠવાડિયાના છેલ્લા પાંચ દિવસોમાં બજારે ફરી યુ-ટર્ન લીધો છે. ૨૩ માર્ચથી ૨૭ માર્ચ વચ્ચે સોનામાં રૂ.૮,૫૭૪ અને ચાંદીમાં રૂ.૬,૩૮૭નો ઉછાળો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે નીચા ભાવે ખરીદી નીકળતા કિંમતો ફરી આસમાને પહોંચવા તૈયાર છે.
વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને હોર્મુઝ કટોકટીએ આર્થિક સમીકરણો બદલી નાખ્યા છે. યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના પુરવઠામાં વિક્ષેપ પડતા પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ભડકો થયો છે. જ્યારે પણ વિશ્વમાં ફુગાવો વધવાનો ભય હોય છે, ત્યારે રોકાણકારો શેરબજાર કે અન્ય જોખમી સાધનોને બદલે સોનાને સુરક્ષિત રોકાણ માનીને તેમાં નાણાં ઠાલવે છે. આ જ કારણ છે કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સોનાની સેફ-હેવન ડિમાન્ડ વધી છે, જે ભાવને ફરીથી રૂ.૧.૫૦ લાખની સપાટી તરફ ધકેલી શકે છે.
આગામી દિવસોમાં લગ્નની મોસમનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે, જે સોના-ચાંદીની સ્થાનિક માંગમાં તોતિંગ વધારો કરશે. ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગે સોનાની ખરીદી અનિવાર્ય મનાતી હોવાથી જ્વેલર્સના શોરૂમમાં અત્યારથી જ એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. બજારના વિશ્લેષકોના મતે, જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા હોવ અથવા ઘરેણાં ખરીદવાનું આયોજન હોય, તો અત્યારનો ઘટાડો એક શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે, કારણ કે સીઝન જામતા જ ભાવ ફરી નવી ઊંચાઈ વટાવી શકે છે.

(1:05 PM IST)