તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Sunday, 29th March 2026
સંભલમાં સરકારી જમીન પર 'બુલડોઝર' એક્શનની તૈયારી: સાડા ત્રણ વીઘામાં ઉભું કરી દેવાયેલું ગેરકાયદે સામ્રાજ્ય ઝડપાયું

સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં સરકારી જમીનો પરના ગેરકાયદે અતિક્રમણ સામે વહીવટીતંત્રે આક્રમક વલણ અપનાવતા અસમોલી પોલીસ સ્ટેશન વિસ્તારના મુબારકપુર બંધ ગામમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગામની અંદાજે સાડા ત્રણ વીઘા જેટલી સામુદાયિક જમીન પર વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદે કબજાની ફરિયાદ મળતા મહેસૂલ વિભાગની ટીમ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે ત્રાટકી હતી. પાંચ એકાઉન્ટન્ટ અને કાયદા અધિકારીઓની હાજરીમાં કરવામાં આવેલી માપણી દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જે જમીન સરકારી રેકોર્ડમાં રમતગમતના મેદાન અને ખાતરના ખાડા તરીકે નોંધાયેલી છે, ત્યાં આખું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના ભૂ-માફિયાઓ અને દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
માપણી દરમિયાન સ્થળ પરથી એક મસ્જિદ, તેની સાથે જોડાયેલ મદરેસા, છ પાકી દુકાનો અને એક રહેણાંક મકાન મળી આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ સરકારી જમીન પર જ એક શાળાનું પણ બાંધકામ જોવા મળ્યું હતું. વહીવટી ટીમની કડક કાર્યવાહી અને માપણી શરૂ થતા જ મસ્જિદ સમિતિના સભ્યોમાં દોડધામ મચી ગઈ હતી અને તેમણે સંભવિત તોડફોડના ડરથી મસ્જિદના દરવાજા, બારીઓ અને અન્ય કિંમતી સામાન જાતે જ હટાવવાનું શરૂ કરી દીધું હતું. કાનુનગો ચંદ્રપાલ સિંહના જણાવ્યા અનુસાર, પ્લોટ નંબર ૬૩૦ની આ જમીન જાહેર ઉપયોગ માટે અનામત રાખવામાં આવી હતી, પરંતુ ત્યાં કાયમી બાંધકામો ઉભા કરીને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
વહીવટીતંત્રે હવે આ મામલે કાયદેસરનો સકંજો કસવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. મહેસૂલ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલો વિસ્તૃત રિપોર્ટ તહસીલદારને સોંપવામાં આવશે, ત્યારબાદ સંબંધિત તમામ પક્ષોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવશે. આ કેસની સુનાવણી તહસીલદાર કોર્ટમાં ચલાવવામાં આવશે અને ઉત્તર પ્રદેશ મહેસૂલ સંહિતાની કલમ ૬૭ હેઠળ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની અને દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરાશે. અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જાહેર મિલકત પર કોઈપણ પ્રકારનું અતિક્રમણ ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં આ બાંધકામો પર બુલડોઝર ફરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
