<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

ભાવનગર-નવી મુંબઈ હવાઈ સેવાનો પ્રારંભ કરનાર કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક એવિએશન માર્કેટ બન્યું : આગામી ૧૦ વર્ષમાં ૨૮ હજાર કરોડના ભંડોળ સાથે ૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ હેલિપેડ બનાવવાનું લક્ષ્ય જાહેર કરતા કેન્દ્રીય મંત્રી

 ભાવનગર: ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરવાના ઐતિહાસિક નિર્ણય બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુનો ભાવનગરની જનતા અને ઉદ્યોગપતિઓ દ્વારા ભવ્ય અભિવાદન સમારોહ જી.કે. પારેખ હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ધારાસભ્યો સેજલબેન પંડ્યા અને ગૌતમભાઈ ચૌહાણ દ્વારા હાર, ખેસ અને ભાવનગરની પ્રખ્યાત ઓળખ સમા મોતીકામથી બનાવેલ વિમાનની સ્મૃતિભેટ અર્પણ કરી મંત્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

હવાઈ મુસાફરી હવે મધ્યમ વર્ગની કલ્પનામાં નહીં પણ હકીકતમાં:
અભિવાદનનો પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે, ભારત સરકારની 'ઉડાન' યોજના એક ક્રાંતિકારી પહેલ છે, જેની પ્રેરણા હવે વિશ્વના અન્ય દેશો પણ લઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે એક સમયે વિમાન પ્રવાસ માત્ર લક્ઝરી ગણાતો હતો, પરંતુ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હવે તે સામાન્ય જનતા માટે સુલભ બન્યો છે. વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા હવાઈ ક્ષેત્રનો વિકાસ અનિવાર્ય છે. ઉડાન યોજનાની સફળતાને જોતા આગામી દાયકા માટે ૨૮ હજાર કરોડનું માતબર ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જેનાથી દેશના ખૂણેખૂણે એર કનેક્ટિવિટી પહોંચાડવામાં આવશે.

ભારતની બદલાતી તસવીર અને ભાવનગરનો વિકાસ:
કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ સંબોધનમાં જણાવ્યું કે, ૨૦૧૪માં દેશમાં માત્ર ૭૪ એરપોર્ટ હતા, જે ૨૦૨૬ સુધીમાં વધીને ૧૬૫ થયા છે. ભાવનગર પાસે ધોલેરામાં બની રહેલું નવું એરપોર્ટ એ નવા ભારતની બદલાતી તસવીર છે. ભાવનગર હવે વિકાસનું નવું 'ગેટ વે' બનવા જઈ રહ્યું છે અને આ એર કનેક્ટિવિટી સ્થાનિક વેપાર-ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થશે.

વિવિધ સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા સન્માન:
સમારોહમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રકાશભાઈ ગોરસિયા, તેજસભાઈ શેઠ, અશોકભાઇ કોટડીયા, બૈજુભાઈ મેહતા અને નિલેશભાઈ નાણાવટીએ મંત્રીનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત શીપ રિસાઇક્લિંગ એસોસિએશનના હરેશભાઈ પરમાર, ક્રેડાઈ ભાવનગરના સચિનભાઈ પાઠક, ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ડાયમંડ મેન્યૂફેચરિંગ એસોસિએશન અને ઇનરવ્હીલ ક્લબ જેવી સંસ્થાઓએ પણ બુકે અને મોમેન્ટો આપી અભિવાદન કર્યું હતું. લિલા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના કોમલકાંત શર્મા, શેઠ કન્સ્ટ્રક્શનના અપૂર્વભાઈ શેઠ તેમજ ચેતનભાઈ કામદાર, તુલસીભાઈ પટેલ અને યંગ ઇન્ડિયન્સના પ્રતિનિધિઓ પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્રકુમાર મીના, આઈજી રાજેન્દ્ર વી. અસારી, પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા અને સિવિલ એવિએશન સેક્રેટરી સમીર સિંહા સહિત એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અગ્રણીઓ દિગ્વિજયસિંહ ગોહિલ અને કુમારભાઈ શાહે પણ મંત્રીના પ્રયાસોને બિરદાવ્યા હતા.

(4:20 PM IST)