<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

પુતિન પર ઝેલેન્સકીનો પ્રહાર: રશિયન તેલ રિફાઇનરીઓ પર યુક્રેનનો ડ્રોન વરસાદ!

રશિયાના અર્થતંત્રની જીવાદોરી સમાન તેલ ઉદ્યોગને યુક્રેને બનાવ્યું નિશાન : યારોસ્લાવલથી લઈને બાલ્ટિક સમુદ્ર સુધીની રિફાઇનરીઓ ધણધણી ઉઠી: ઉસ્ટ-લુગા ટર્મિનલની ક્ષમતામાં 40% નો ઘટાડો થતાં મોસ્કોની કમાણી પર પડ્યો મોટો ફટકો

કિવ: રશિયા-યુક્રેન યુદ્ધ હવે માત્ર સરહદ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે રશિયાની તિજોરી સુધી પહોંચી ગયું છે. રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયાની સૌથી મોટી તાકાત ગણાતા તેલ અને ઉર્જા ક્ષેત્રને હચમચાવવા માટે લાંબા અંતરના ઘાતક ડ્રોનનો વ્યૂહાત્મક ઉપયોગ શરૂ કર્યો છે. તાજેતરના અઠવાડિયામાં યુક્રેને રશિયાની અંદર ઘુસીને 10 થી વધુ મોટા ઉર્જા મથકો પર હુમલા કર્યા છે. આ હુમલાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયાની તે આવક રોકવાનો છે જેનો ઉપયોગ પુતિન યુદ્ધના મેદાનમાં હથિયારો ખરીદવા માટે કરે છે. ઝેલેન્સકીના આ 'હેવીવેઇટ' પ્રહારથી હવે રશિયન તેલ ઉદ્યોગમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

રશિયાના યારોસ્લાવલ પ્રદેશ અને બાલ્ટિક સમુદ્ર પર સ્થિત ઉસ્ટ-લુગા તેલ ટર્મિનલ પર થયેલા ડ્રોન હુમલાઓએ રશિયાના સંરક્ષણ કવચમાં ગાબડાં પાડ્યા છે. યુક્રેનિયન સૈન્યના દાવા મુજબ, ઉસ્ટ-લુગા ટર્મિનલ પર થયેલા હુમલાને કારણે તેની નિકાસ ક્ષમતામાં સીધો 40% નો ઘટાડો થયો છે. સેન્ટ પીટર્સબર્ગ નજીક આ હુમલા બાદ વાયુ પ્રદૂષણની ચેતવણી પણ જારી કરવી પડી હતી. રશિયાના અર્થતંત્રનો ત્રીજો ભાગ તેલ ઉત્પાદન પર ટકેલો છે, ત્યારે રિફાઇનરીઓમાં લાગતી આગ માત્ર ઈમારતોને જ નહીં પણ રશિયાની નાણાકીય સ્થિરતાને પણ ભસ્મીભૂત કરી રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે રશિયાએ હવે પોતાની સ્થાનિક જરૂરિયાતો પુરી કરવા માટે પેટ્રોલની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરવી પડી રહી છે.

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આ હુમલાઓ યુક્રેનની પાવર સિસ્ટમ પર રશિયાએ કરેલા અત્યાચારોનો સીધો જવાબ છે. રશિયાએ યુક્રેનના શહેરો પર 400 ડ્રોન અને 23 ક્રુઝ મિસાઈલો છોડીને જે વિનાશ વેર્યો હતો, તેના બદલામાં હવે યુક્રેન રશિયાના ઉર્જા માળખાને તોડી રહ્યું છે. ઝેલેન્સકીએ એક શરત પણ મૂકી છે કે જો રશિયા યુક્રેનિયન વીજળી મથકો પર હુમલા બંધ કરે, તો જ કિવ આ પ્રકારની વળતી કાર્યવાહી રોકવા તૈયાર થશે. આ નવી વ્યૂહરચના એવા સમયે આવી છે જ્યારે વિશ્વમાં તેલના ભાવ આસમાને છે, અને યુક્રેન ઈચ્છે છે કે રશિયા આ ભાવવધારાનો કોઈ પણ સંજોગોમાં આર્થિક લાભ ન ઉઠાવી શકે.

(7:01 PM IST)