<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

ઈરાનના ૧૬ બેલેસ્ટિક મિસાઈલ હુમલા બાદ યુએઈનો પ્રચંડ વળતો પ્રહાર : ઈરાનની ૫૩૦ બિલિયન ડોલરની સંપત્તિ જપ્ત કરી ગોલ્ડન વિઝા સહિતના તમામ રેસિડન્સ પરમિટ રદ કરી

અખાતી દેશોમાં યુદ્ધ ચરમસીમાએ : યુએઈ પર અત્યાર સુધીમાં ૪૧૪ મિસાઈલ અને ૧૯૧૪ ડ્રોન છોડનાર ઈરાનને આર્થિક રીતે પાયમાલ કરવા કડક પગલાં : સંરક્ષણ મંત્રાલયે નાગરિકોને સુરક્ષિત સ્થળોએ રહેવા આદેશ આપ્યો અને નુકસાનના વળતરની કરી માંગ

અબુ ધાબી:મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધે હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. અમેરિકા અને ઈઝરાયેલને મદદ કરવાના રોષમાં ઈરાને આજે સંયુક્ત આરબ અમીરાત (UAE) પર ૧૬ બેલેસ્ટિક મિસાઈલો અને ૪૨ ડ્રોન દ્વારા ભીષણ હુમલો કર્યો હતો. જોકે, યુએઈની એર ડિફેન્સ સિસ્ટમે આ તમામ હુમલાઓને હવામાં જ નિષ્ફળ બનાવ્યા હતા. આ ઉશ્કેરણીજનક હુમલાના જવાબમાં યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની સરકારે ઈરાન સામે અત્યાર સુધીનો સૌથી મોટો આર્થિક વળતો પ્રહાર કર્યો છે.

૫૩૦ બિલિયન ડોલરની સંપત્તિ જપ્ત અને વિઝા રદ:
યુએઈ સરકારે ઈરાનને મોટો ઝટકો આપતા તેની ૫૩૦ બિલિયન ડોલરની જંગી સંપત્તિ તાત્કાલિક અસરથી જપ્ત કરી લીધી છે. આટલું જ નહીં, યુએઈ દ્વારા ઈરાની નાગરિકોને આપવામાં આવેલા પ્રતિષ્ઠિત 'ગોલ્ડન વિઝા' અને ૯૯ વર્ષની રેસીડેન્સીના વચનો સહિતના તમામ નિવાસ પરમિટ (રેસીડેન્સી પરમિટ) રદ કરી દેવામાં આવ્યા છે. ઈરાન માટે આ એક મોટો રાજદ્વારી અને આર્થિક ફટકો માનવામાં આવી રહ્યો છે.

હુમલાના આંકડા અને સંરક્ષણની સજ્જતા:
યુએઈના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ઈરાને અમીરાત પર કુલ ૪૧૪ બેલેસ્ટિક મિસાઈલો, ૧૫ ક્રૂઝ મિસાઈલો અને ૧,૯૧૪ ડ્રોન છોડ્યા છે. મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સુરક્ષિત સ્થળોએ રહે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરે. યુએઈની એર ડિફેન્સ સિસ્ટમ કોઈ પણ ખતરાનો સામનો કરવા માટે હાઈ એલર્ટ પર છે.

વળતર અને સુરક્ષા ગેરંટીની માંગ:
યુએઈના રાષ્ટ્રપતિના સલાહકાર અનવર ગરગાશે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ઈરાન સાથેના કોઈ પણ ભાવિ રાજકીય સમાધાનમાં નાગરિકો અને મહત્વના સ્થાનો પર થયેલા હુમલાનું વળતર સામેલ હોવું જોઈએ. તેમણે ઉમેર્યું કે ભવિષ્યમાં આવા હુમલાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ઈરાન પાસેથી સ્પષ્ટ સુરક્ષા ગેરંટી લેવી અનિવાર્ય છે.

શાંતિ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે બેઠકોનો દોર:
બીજી તરફ, યુદ્ધને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો પણ તેજ બન્યા છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી આજે ઈસ્લામાબાદ પહોંચ્યા છે, જ્યાં તેઓ પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કીના અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરશે. જોકે, અમેરિકા અને ઈરાન બંને પક્ષે મુકવામાં આવેલી આકરી શરતોને કારણે હાલમાં યુદ્ધ વિરામની શક્યતા નહિવત જણાઈ રહી છે.

(7:51 PM IST)