<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

ઝોજિ લા પાસ ખાતે માઈનસ ૬ ડિગ્રી તાપમાન અને ભારે હિમવાવાઝોડાની ચેતવણી: આઈએમડી દ્વારા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં આગામી ૪૮ કલાક માટે હાઈ એલર્ટ જારી: ૧ એપ્રિલથી વાતાવરણ સામાન્ય થવાની સંભાવના

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ૩૦ માર્ચ સુધી ખરાબ હવામાન યથાવત રહેશે: હિમસ્ખલનના જોખમને પગલે શ્રીનગર-લેહ હાઇવે પર મુસાફરી ન કરવા પ્રશાસનની કડક સૂચના

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) અને વિવિધ વેધર ચેનલોના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, લદ્દાખના જોજિલા પાસ (દર્રા) ખાતે હાલમાં વાતાવરણ અત્યંત જોખમી બની ગયું છે. હાલમાં ત્યાં સંપૂર્ણ વાદળછાયું વાતાવરણ છે અને તાપમાન શૂન્યથી નીચે ૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. સાથે જ ૨ માઈલ પ્રતિ કલાકની ઝડપે સાઉથઈસ્ટ (દક્ષિણ-પૂર્વ) દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે.

 

હવામાન તંત્રની વિસ્તૃત આગાહી મુજબ, ઉત્તર-પશ્ચિમ ભારત પર એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયું છે. આ સિસ્ટમ્સના કારણે આજે ઝોજિ લા પાસ અને આસપાસના ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવાવાઝોડું (હેવી સ્નો સ્ટોર્મ) ત્રાટકવાની પ્રબળ સંભાવના છે. 

 

આઈએમડી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ખરાબ હવામાનની સૌથી વધુ અસર  આવતીકાલે ૩૦ માર્ચ સુધી જોવા મળશે.

 

 આવતીકાલે ૩૦ માર્ચ સુધી જોજિલા-દ્રાસ એક્સિસ અને કાશ્મીર ખીણમાં ભારેથી અતિભારે બરફવર્ષા અને વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. ત્યારબાદ, ૩૧ માર્ચથી હવામાનની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થશે અને ૧ એપ્રિલથી વાતાવરણ સામાન્ય થવાની આશા છે.

 

તાજેતરમાં થયેલા જીવલેણ હિમસ્ખલન (એવલાન્ચ) ને ધ્યાનમાં રાખીને તંત્રએ હાઇ એલર્ટ જાહેર કર્યું છે. બરફના તોફાન અને શૂન્ય વિઝિબિલિટી (દૃશ્યતા) ના કારણે શ્રીનગર-લેહ નેશનલ હાઇવે બંધ રખાયો છે.

 

(10:14 PM IST)