<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ટ્રમ્પ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ? ૨૦૨૮ની રેસમાં જેડી વેન્સ અને માર્કો રુબિયોના નામ સૌથી મોખરે

ઈરાન સાથેના યુદ્ધે અમેરિકાનું ઘરેલું રાજકારણ ગરમાવ્યું : રિપબ્લિકન પાર્ટીમાં ઉત્તરાધિકારી માટે ખેંચતાણ શરૂ : આક્રમક રુબિયો અને સંયમિત વેન્સ વચ્ચે ટ્રમ્પ કોની પર પસંદગીનો કળશ ઢોળશે તેના પર વિશ્વની નજર

વોશિંગ્ટન:ઈરાન સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષે માત્ર પશ્ચિમ એશિયાની ભૂ-રાજનીતિ જ નહીં, પરંતુ અમેરિકાના આગામી ૨૦૨૮ના રાષ્ટ્રપતિ ચૂંટણીના સમીકરણો પણ બદલી નાખ્યા છે. વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે યુદ્ધને નિયંત્રિત કરી પોતાની રાજકીય વિરાસત બચાવવાનો પડકાર છે, ત્યારે રિપબ્લિકન પાર્ટીમાં તેમના સંભવિત ઉત્તરાધિકારીને લઈને ચર્ચાઓ તેજ બની છે. સત્તાના ગલિયારામાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ પુછાઈ રહ્યો છે કે ટ્રમ્પ પોતાના વારસદાર તરીકે જેડી વેન્સ અને માર્કો રુબિયોમાંથી કોનું નામ આગળ વધારશે.
સંવિધાનિક મર્યાદા અને ઉત્તરાધિકારનો પ્રશ્ન
અમેરિકી બંધારણ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૮માં ફરીથી ચૂંટણી લડી શકતા નથી, જેના કારણે રિપબ્લિકન છાવણીમાં અત્યારથી જ નવા ચહેરાની શોધ શરૂ થઈ ગઈ છે. ઈરાન યુદ્ધે આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે કારણ કે જેડી વેન્સ અને માર્કો રુબિયો બંને આ કટોકટીમાં અલગ-અલગ રાજકીય શૈલી સાથે ઉભરી આવ્યા છે. ટ્રમ્પ પણ અંગત બેઠકોમાં પોતાના સલાહકારો સાથે આ બંનેના નામ પર મંથન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જેડી વેન્સનો સંયમિત અને માર્કો રુબિયોનો આક્રમક અંદાજ
પૂર્વ મરીન ઓફિસર અને ઈરાક યુદ્ધનો અનુભવ ધરાવતા જેડી વેન્સે ઈરાન મુદ્દે સંયમિત વલણ અપનાવ્યું છે. તેઓ લાંબા સમયથી અમેરિકાની વિદેશી સૈન્ય દખલગીરીના આલોચક રહ્યા છે. જોકે, તેમણે ટ્રમ્પની વ્યૂહરચનાને ટેકો આપતા કહ્યું છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોવા જોઈએ. બીજી તરફ, વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ટ્રમ્પની આક્રમક નીતિઓનું ખુલ્લું સમર્થન કર્યું છે. વ્હાઇટ હાઉસમાં તેમને કટોકટીના સમયમાં એક મક્કમ અને નિર્ણાયક ચહેરા તરીકે જોવામાં આવી રહ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે જો યુદ્ધ ઝડપથી સમાપ્ત થશે તો રુબિયોને ફાયદો થશે, પરંતુ જો સંઘર્ષ લાંબો ખેંચાશે તો વેન્સની લોકપ્રિયતા વધી શકે છે.
લોકપ્રિયતામાં ઘટાડો અને સર્વેના તારણો
ઈરાન સાથેના યુદ્ધ અને ઈંધણના વધતા ભાવને કારણે ટ્રમ્પની લોકપ્રિયતા રેટિંગ ઘટીને ૩૬ ટકા પર આવી ગઈ છે, જે તેમના બીજા કાર્યકાળનું સૌથી નીચું સ્તર છે. જોકે, ૭૫ ટકા રિપબ્લિકન મતદારો હજુ પણ સૈન્ય કાર્યવાહીના પક્ષમાં છે. હાલમાં જ યોજાયેલા કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ (CPAC) ના સ્ટ્રો પોલમાં જેડી વેન્સને ૫૩ ટકા સમર્થન સાથે સ્પષ્ટ સરસાઈ મળી છે, જ્યારે માર્કો રુબિયો ૩૫ ટકા સાથે બીજા ક્રમે રહ્યા છે. નોંધનીય છે કે ગયા વર્ષે રુબિયોને માત્ર ૩ ટકા સમર્થન મળ્યું હતું, જે દર્શાવે છે કે તેમની રાજકીય સ્વીકાર્યતા ઝડપથી વધી રહી છે.

(12:17 AM IST)