News of Monday, 30th March 2026
જે નેતાઓ યુદ્ધની શરૂઆત કરે છે અને જેમના હાથ નિર્દોષોના લોહીથી ખરડાયેલા છે, તેમની પ્રાર્થના ઈશ્વર ક્યારેય સ્વીકારતા નથીઃ પ્રભુ ઈશુ શાંતિના રાજા છે અને યુદ્ધને નકારે છે
વેટિકન સિટીમાં પામ સન્ડે નિમિત્તે પોપ લિયો ૧૪નો શાંતિનો સંદેશ : ઈશુએ ક્યારેય હથિયાર ઉપાડ્યા નથી કે યુદ્ધ કર્યું નથીઃ પોતાનો જીવ બચાવવા માટે હિંસાનો આશરો લેવાને બદલે તેમણે ક્રોસ પર ખીલાઓથી જડાઈ જવાનું અને બલિદાન આપવાનું પસંદ કર્યું હતું: પોપ લિયો ૧૪ દ્વારા હિંસાનો ત્યાગ કરી ઈશ્વરના સૌમ્ય સ્વરૂપને અપનાવવા આહવાન

વેટિકન તા.૩૦: વેટિકન સિટીના સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં પામ સન્ડેના પવિત્ર અવસરે હજારોની મેદનીને સંબોધતા પોપ લિયો ૧૪માએ પヘમિ એશિયા (મિડલ ઈસ્ટ)માં ચાલી રહેલા સંઘર્ષની આકરી ટીકા કરી હતી. ઈસ્ટરના તહેવાર તરફ દોરી જતા આ હોલી વીકની શરૂઆતમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જે નેતાઓ યુદ્ધની શરૂઆત કરે છે અને જેમના હાથ નિર્દોષોના લોહીથી ખરડાયેલા છે, તેમની પ્રાર્થના ઈશ્વર ક્યારેય સ્વીકારતા નથી. તેમણે બાઇબલનો હવાલો આપતા ઉમેર્યું હતું કે, પ્રભુ ઈશુ શાંતિના રાજા છે અને યુદ્ધને નકારે છે. યુદ્ધને યોગ્ય ઠેરવવા માટે કોઈ ઈશ્વરનો ઉપયોગ કરી શકે નહીં. ઈશ્વર એવા લોકોની કોઈ જ પ્રાર્થના સાંભળતા નથી જેઓ હિસા અને યુદ્ધ ફેલાવે છે.
વેટિકન ખાતે પોતાના સંબોધનને આગળ વધારતા પોપ લિયો ૧૪માએ પ્રભુ ઈશુના અહિસક માર્ગ પર ભાર મૂક્યો હતો. તેમણે શ્રદ્ધાળુઓને જણાવ્યું હતું કે ઈશુ ખ્રિસ્તે પોતાના બચાવ માટે ક્યારેય હથિયાર ઉપાડ્યા ન હતા કે કોઈ યુદ્ધ લડ્યા ન હતા. તેમણે વિશ્વ સમક્ષ ઈશ્વરનું એવું સૌમ્ય અને દયાળુ સ્વરૂપ રજૂ કર્યું છે જે હંમેશા હિસાનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે.
પોપે ઈશુના બલિદાનને યાદ કરતા કહ્યું કે, પોતાનો જીવ બચાવવા માટે હિંસાનો આશરો લેવાને બદલે તેમણે ક્રોસ પર ખીલાઓથી જડાઈ જવાનું અને બલિદાન આપવાનું પસંદ કર્યું હતું. આ સંદેશ દ્વારા તેમણે વર્તમાન સમયમાં ચાલી રહેલા યુદ્ધો અને હિંસાનો માર્ગ છોડવા માટે વૈશ્વિક નેતાઓને સ્પષ્ટ સંદેશો પાઠવ્યો હતો.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
