<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

શ્રીનગર સહિત સમગ્ર કાશ્‍મીર ખીણમાં બદલાયો હવામાનનો મિજાજઃ મેદાની વિસ્‍તારોમાં સતત વરસાદ અને ઊંચાણવાળા વિસ્‍તારોમાં હિમવર્ષા ચાલુ

હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક માટે એલર્ટ જાહેરઃ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો, જનજીવન પ્રભાવિત

જમ્‍મુ, તા.૩૦: શ્રીનગર અને સમગ્ર કાશ્‍મીર ખીણમાં હવામાનમાં અચાનક પલટો આવ્‍યો છે. વેધર ચેનલો અને ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) ના તાજા અહેવાલો અનુસાર, શ્રીનગર સહિતના મેદાની વિસ્‍તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જ્‍યારે ગુલમર્ગ, પહલગામ, સોનમર્ગ અને પીર પંજાલ રેન્‍જ જેવા ઊંચાણવાળા વિસ્‍તારોમાં ભારે હિમવર્ષા નોંધાઈ છે. આ કમોસમી બરફવર્ષા અને વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને કાશ્‍મીર ખીણમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્‍યું છે.

શ્રીનગરમાં મહત્તમ તાપમાન ગગડીને ૧૦ થી ૧૨ ડિગ્રી સેલ્‍સિયસની આસપાસ પહોંચી ગયું છે, જ્‍યારે લઘુત્તમ તાપમાન શૂન્‍યની નજીક પહોંચી ગયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૪૮ કલાક સુધી ખીણમાં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની (પヘમિી વિક્ષેપ) સક્રિય અસર જોવા મળશે, જેના પરિણામે ભારે ગાજવીજ, ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અને વધુ વરસાદ થવાની સંભાવના છે. ઊંચાણવાળા પહાડી વિસ્‍તારોમાં હજુ પણ ભારે હિમસ્‍ખલન (એવલાન્‍ચ) થવાની ચેતવણી આપવામાં આવી છે.

ખરાબ હવામાનના કારણે જમ્‍મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર અનેક જગ્‍યાએ ભેખડો ધસી પડવાના બનાવો બન્‍યા છે, જેના લીધે વાહનવ્‍યવહાર ધીમો પડ્‍યો છે. પ્રશાસને સ્‍થાનિક લોકો અને ખાસ કરીને પ્રવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ખરાબ હવામાનમાં પહાડી વિસ્‍તારો તરફ ન જવા માટે કડક સૂચના જારી કરી છે. ઇમરજન્‍સી સેવાઓ અને બચાવ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.

ઉપર રાત્રે ૧૦ વાગ્‍યાની લેટેસ્‍ટ ઈનસેટ તસવીરમાં સમગ્ર જમ્‍મુ કાશ્‍મીર અને લેહ લડાખ ઉપર પ્રચંડ વાદળાઓ છવાયેલા જોવા મળે છે. 

(12:14 PM IST)