News of Monday, 30th March 2026
ભારત માટે રશિયા બન્યું 'સંકટ સમયનો સાથી' : પશ્ચિમ એશિયામાં યુદ્ધના તણાવ વચ્ચે 50 વર્ષ બાદ રશિયા ભારતને મોકલશે LNG નો જથ્થો
હોર્મુઝની સામુદ્રધુનીમાં ઉર્જા પુરવઠો ખોરવાતા ભારતે રશિયા અને બ્રાઝિલ સાથે નવા કરારો કરી ઉર્જા સુરક્ષા કવચ મજબૂત કર્યું : પાકિસ્તાન અને ફિલિપાઈન્સ જેવા દેશોમાં ઉર્જા કટોકટી વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને પુરવઠો હાલ સ્થિર

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા અવરોધો વચ્ચે ભારતે પોતાની ઉર્જા જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે એક માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. વિશ્વના 20% તેલ અને 30% એલએનજી (LNG) ના પ્રવાહ માટે જવાબદાર આ વિસ્તારમાં અસ્થિરતા હોવા છતાં, ભારતે રશિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરીને સંભવિત ઉર્જા સંકટને ટાળી દીધું છે. ભારત હવે 50 વર્ષના લાંબા અંતરાલ બાદ રશિયા પાસેથી લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ની આયાત કરવા જઈ રહ્યું છે, જે ભારતની વિદેશ નીતિ અને ઉર્જા સુરક્ષા માટે એક મોટું પરિવર્તન માનવામાં આવે છે.
રશિયા સાથે નવી ભાગીદારી અને રાજદ્વારી સફળતા:
ઐતિહાસિક રીતે ભારત તેની 50% એલએનજી જરૂરિયાતો માટે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર રહ્યું છે. જોકે, બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને રશિયન નેતૃત્વ વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ રશિયા હવે ભારતને ગેસ સપ્લાય કરવા માટે સંમત થયું છે. રશિયા-યુક્રેન સંઘર્ષ બાદ પ્રતિબંધોની જટિલતાને કારણે અત્યાર સુધી ભારત રશિયા પાસેથી માત્ર કાચું તેલ ખરીદતું હતું, પરંતુ હવે એલએનજી ક્ષેત્રે પણ બંને દેશો હાથ મિલાવી રહ્યા છે. ભારતનું સ્પષ્ટ વલણ છે કે કોઈપણ પ્રતિબંધો કરતા રાષ્ટ્રીય હિત સર્વોપરી રહેશે.
બ્રાઝિલ સાથે તેલના બદલામાં ટેકનોલોજીનો કરાર:
ભારતે માત્ર રશિયા જ નહીં પરંતુ બ્રાઝિલ જેવા ઉભરતા સપ્લાયર્સ સાથે પણ સંબંધો મજબૂત કર્યા છે. બ્રાઝિલ પાસે તેલનો વિશાળ ભંડાર છે પરંતુ રિફાઇનિંગ ક્ષમતા મર્યાદિત છે. બીજી તરફ, ભારત વિશ્વના અગ્રણી રિફાઇનિંગ હબ તરીકે જાણીતું હોવાથી, બંને દેશો વચ્ચે એક વ્યૂહાત્મક સમજૂતી થઈ છે. જેમાં બ્રાઝિલ ભારતને કાચું તેલ આપશે અને બદલામાં ભારત તેની રિફાઇનિંગ કુશળતા અને ટેકનોલોજી બ્રાઝિલ સાથે શેર કરશે. આ દ્વિપક્ષીય સહયોગથી ભારતને તેલનો સુરક્ષિત પુરવઠો મળશે.
પાડોશી દેશોમાં હાહાકાર, ભારતમાં સ્થિરતા:
જ્યારે ફિલિપાઈન્સે રાષ્ટ્રીય ઉર્જા કટોકટી જાહેર કરી છે, પાકિસ્તાન બળતણના આસમાને પહોંચેલા ભાવો સામે ઝઝૂમી રહ્યું છે અને બાંગ્લાદેશ આર્થિક સહાય માંગી રહ્યું છે, ત્યારે ભારત આ તમામ મુસીબતોથી સુરક્ષિત રહ્યું છે. ભારતે ટેક્સમાં ઘટાડો અને સપ્લાય ચેઈનનું વૈવિધ્યકરણ કરીને પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ સ્થિર રાખ્યા છે. દેશમાં ઈંધણની કોઈ માળખાગત અછત નથી. ઉલટું, ભારત રશિયા જેવા દેશો પાસેથી કાચું તેલ મેળવી તેને રિફાઈન કરીને યુરોપ સહિતના વિશ્વના બજારોમાં નિકાસ કરી રહ્યું છે, જે વૈશ્વિક ઉર્જા સ્થિરતા માટે પણ અનિવાર્ય છે.
ભવિષ્યનો રોડમેપ - ગેસ આધારિત અર્થતંત્ર:
ભારત આગામી વર્ષોમાં તેના કુલ ઉર્જા વપરાશમાં કુદરતી ગેસનો હિસ્સો 6% થી વધારીને 15% કરવા માંગે છે. આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે રશિયા અને બ્રાઝિલ જેવા દેશો સાથેના નવા કરારો ખૂબ જ મહત્વના સાબિત થશે. અમેરિકા, રશિયા અને મધ્ય પૂર્વ વચ્ચે સંતુલન જાળવીને ભારત પોતાની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
