News of Monday, 30th March 2026
યુરોપમાં 'ટ્રમ્પ સ્ટાઇલ' એક્શન: ગેરકાયદેસર પ્રવાસીઓ પર ત્રાટકશે પોલીસ, દેશનિકાલ કરવા માટે વિદેશોમાં બનશે ખાસ 'રીટર્ન સેન્ટર્સ'
27 દેશોના સંગઠને ઇમિગ્રેશન નિયમો કર્યા લોખંડી; આફ્રિકા અને કેન્યા જેવા દેશો સાથે કરારની તૈયારી, માનવ અધિકાર સંગઠનોએ 'ક્રૂરતા' વધવાની વ્યક્ત કરી આશંકા

બ્રસેલ્સ, તા.30: યુરોપિયન યુનિયન (EU) હવે ગેરકાયદેસર ઇમિગ્રેશનના મુદ્દે અત્યંત કડક વલણ અપનાવી રહ્યું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ દેશનિકાલ નીતિઓની જેમ જ, હવે યુરોપ પણ પ્રવાસીઓને ટ્રેક કરવા, તેમના પર દરોડા પાડવા અને તેમને વતન પરત મોકલવા માટે પોતાની સત્તાઓનો વ્યાપ વધારી રહ્યું છે. આગામી 12 જૂન થી અમલમાં આવનારી નવી નીતિઓ યુરોપના સરહદી નકશાને બદલી નાખશે.
વિદેશી ધરતી પર અટકાયત કેન્દ્રો
યુરોપના દેશો હવે આશ્રય ન મળ્યો હોય તેવા પ્રવાસીઓને રાખવા માટે પોતાના દેશની બહાર એટલે કે 'ત્રીજા દેશો' માં અટકાયત કેન્દ્રો (Detention Centers) બનાવી રહ્યા છે. ઇટાલીએ આ મામલે પહેલ કરતા અલ્બેનિયામાં આવા બે કેન્દ્રો શરૂ કર્યા છે. જર્મની, ઓસ્ટ્રિયા અને નેધરલેન્ડ જેવા દેશો પણ હવે કેન્યા અને અન્ય આફ્રિકી દેશો સાથે વાતચીત કરી રહ્યા છે જેથી કરીને નકારાયેલા પ્રવાસીઓને ત્યાં મોકલી શકાય.
નૌકાદળને મળી મોટી સત્તા
ઇટાલીની જ્યોર્જિયા મેલોની સરકારે નવા ઇમિગ્રેશન વિરોધી પેકેજને મંજૂરી આપી છે. હવે નૌકાદળ આંતરરાષ્ટ્રીય જળસીમામાં શંકાસ્પદ જહાજોને છ મહિના સુધી રોકી શકશે. ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ વિદેશી નાગરિકોને તુરંત દેશનિકાલ કરવામાં આવશે. બીજી તરફ, બ્રિટને પણ દાવો કર્યો છે કે જુલાઈ 2024 થી અત્યાર સુધીમાં આશરે 60,000 લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે.
ટેકનોલોજી અને 'પુશબેક' નો વિવાદ
યુરોપિયન બોર્ડર સર્વિસ 'ફ્રન્ટેક્સ' (Frontex) હવે પોલીસ સાથે મળીને દરોડા પાડી રહી છે. ડ્રોન, થર્મલ કેમેરા અને સેટેલાઇટ દ્વારા પ્રવાસીઓની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. માનવ અધિકાર જૂથોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે વર્ષ 2025 માં અત્યાર સુધીમાં 80,000 થી વધુ 'પુશબેક' (લોકોને સરહદ પરથી બળજબરીથી પાછા ધકેલવા) નોંધાયા છે. આરોપ છે કે અધિકારીઓ માસ્ક પહેરીને પ્રવાસીઓ સાથે મારપીટ કરે છે અને તેમનો સામાન લૂંટી લે છે.
રાજકીય ગરમાવો
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું છે કે, "અમે ભૂતકાળની ભૂલોમાંથી શીખ્યા છીએ અને હવે 2015 જેવી શરણાર્થી કટોકટી ફરી આવવા દઈશું નહીં." જોકે, માનવ અધિકાર જૂથો ચેતવણી આપી રહ્યા છે કે યુરોપ પોતાની નૈતિક સ્પષ્ટતા ગુમાવી રહ્યું છે અને માત્ર રાજકીય ફાયદા માટે નિર્દોષ લોકોના અધિકારોનું હનન થઈ રહ્યું છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
