તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
યુપીમાં વાગ્યો દીકરીનો ડંકો: નેહા પંચાલે કોઈ પણ કોચિંગ વગર UP PCS-2024માં મેળવ્યું ટોચનું સ્થાન, અન્ય ઉમેદવારો માટે પરીક્ષા છોડી ઉમદા ઉદાહરણ બેસાડ્યું
ચોથા પ્રયાસમાં મળી ભવ્ય સફળતા; UPSCમાં માત્ર ૨ ગુણ માટે રહી ગયેલી નેહાએ હાર ન માની અને આજે બની રાજ્યની ટોપર; 'સેલ્ફ સ્ટડી' અને 'આન્સર રાઈટિંગ'ને ગણાવ્યા જીતના મંત્રો

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (UPPSC) દ્વારા જાહેર કરવામાં આવેલા PCS-2024ના પરિણામોમાં દિલ્હીની નેહા પંચાલે ઇતિહાસ રચી દીધો છે. મર્યાદિત સંસાધનો અને કોઈ પણ મોંઘા કોચિંગ ક્લાસ વગર નેહાએ આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે. મૂળ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાની અને હાલ દિલ્હીના શાહદરામાં રહેતી નેહાની આ સફર સંઘર્ષ અને અતૂટ ધૈર્યની ગાથા છે.
નિષ્ફળતાને બનાવી સફળતાની સીડી
નેહા વર્ષ ૨૦૧૮થી સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી. ૨૦૨૩માં તે UPSCના ઇન્ટરવ્યુ સુધી પહોંચી હતી, પરંતુ કમનસીબે માત્ર ૨ ગુણ માટે અંતિમ પસંદગી ચૂકી ગઈ હતી. આ આંચકાથી નિરાશ થવાને બદલે તેણે પોતાની નબળાઈઓને શક્તિમાં બદલી નાખી. નેહાએ જણાવ્યું કે, "રાજ્યની વહીવટી સેવા માટે ઉત્તર પ્રદેશના ઇતિહાસ, ભૂગોળ અને અર્થતંત્રને સમજવું અનિવાર્ય છે." તેણે સેલ્ફ સ્ટડી અને નિયમિત મોક ટેસ્ટ દ્વારા પોતાની તૈયારીને ધાર આપી.
પતિ અને પરિવાર બન્યા પીઠબળ
નેહાની આ સફળતામાં તેના પરિવારનો ફાળો અમૂલ્ય રહ્યો છે. તેના પિતા ખાનગી નોકરી કરે છે અને માતા ગૃહિણી છે. નેહાએ તેની સફળતાનો શ્રેય ખાસ કરીને તેના પતિને આપ્યો છે, જેઓ સેમસંગમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તૈયારીના કઠિન સમયમાં તેના પતિએ તેને માનસિક રીતે મજબૂત રાખી અને સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું. નેહાએ સાબિત કર્યું કે લગ્ન પછી પણ જો ઈચ્છાશક્તિ હોય તો કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.
ટોપર બન્યા બાદ આપ્યો અન્યને તકનો મોકો
પરિણામ જાહેર થયું ત્યારે નેહા PCS-2025ની મુખ્ય પરીક્ષા આપી રહી હતી. જેવું તેને ખબર પડી કે તેણે ૨૦૨૪ની પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું છે, તેણે તરત જ 2025 ની પરીક્ષા છોડી દીધી. નેહાએ ઉમદા વિચાર વ્યક્ત કરતા કહ્યું કે, "હવે મારે આ પરીક્ષા આપવાની જરૂર નથી. હું પરીક્ષા છોડીને પાછી જઈ રહી છું જેથી અન્ય કોઈ લાયક ઉમેદવારને તક મળી શકે." તેના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ રહી છે.
નવા ઉમેદવારો માટે નેહાની સલાહ
સફળતાનો મંત્ર શેર કરતા નેહાએ કહ્યું કે, "બીજાની વ્યૂહરચનાની નકલ કરવાને બદલે તમારી પોતાની ક્ષમતા મુજબ પ્લાન બનાવો." તેના મતે, મુખ્ય પરીક્ષામાં 'આન્સર રાઈટિંગ' એટલે કે ઉત્તર લેખન સૌથી મહત્વનું છે. ઘણા ઉમેદવારો પાસે જ્ઞાન હોય છે પણ તેને પેપર પર યોગ્ય રીતે ઉતારી શકતા નથી. નેહાએ યુવાનોને સંદેશ આપ્યો કે એકાદ-બે નિષ્ફળતાથી ડર્યા વગર જો તમે અંત સુધી લડશો, તો સફળતા ચોક્કસ તમારા કદમ ચૂમશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
