<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

પીએમ મોદી કાલે કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું ઉદ્ઘાટન કરશે

સાત વિભાગોમાં વહેંચાયેલા આ મ્યુઝિયમમાં 2000થી વધુ દુર્લભ જૈન કલાકૃતિઓ, હસ્તપ્રતો અને પ્રાચીન સિક્કાઓ પ્રદર્શિત:ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ આ સંગ્રહાલય જૈન ઇતિહાસ અને અહિંસાના વારસાની વિશ્વ સમક્ષ પ્રસ્તુતિ

 ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ગુજરાત પ્રવાશે છે. તેઓ ગુજરાતના અનેક જીલ્લાઓમાં વિવિધ કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. ત્યારે ગાંધીનગરના કોબા સ્થિત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ જૈન ધર્મના ભવ્ય ઇતિહાસને જીવંત કરતા નવનિર્મિત 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું ઉદ્ઘાટન કરશે. આ સંગ્રહાલય માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે જૈન સંસ્કૃતિ અને અહિંસાના પ્રતીક સમાન બની રહેશે. 

   આ મ્યુઝિયમનું નામ સમ્રાટ અશોકના પૌત્ર અને જૈન ધર્મના મહાન પ્રચારક સમ્રાટ સંપ્રતિના નામ પરથી રાખવામાં આવ્યું છે. અહીં જૈન ધર્મના હજારો વર્ષ જૂના ઇતિહાસ, પુરાતત્વીય ચીજવસ્તુઓ અને આધ્યાત્મિક વારસાનું અદભૂત પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં બે હજારથી વધુ અત્યંત દુર્લભ કલાકૃતિઓનો ખજાનો સંગ્રહિત છે, જે મુલાકાતીઓને પ્રાચીન ભારતની સભ્યતાના દર્શન કરાવશે.

સંગ્રહાલયને કુલ સાત અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. દરેક વિભાગમાં જૈન પરંપરાના અનન્ય પાસાઓને રજૂ કરવામાં આવ્યા છે. જેમાં સદીઓ જૂના દુર્લભ અવશેષો, ધાતુના શિલ્પો  અને પથ્થરની મૂર્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મ્યુઝિયમમાં વિશાળ મંદિર પ્લેટ, યંત્ર પ્લેટ અને પ્રાચીન સિક્કાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે ઇતિહાસકારો માટે સંશોધનનો વિષય બની શકે છે.

 

આધુનિક યુગને ધ્યાનમાં રાખીનેમ્યુઝિયમમાં ડિજિટલ અને ઓડિયો-વિઝ્યુઅલ પ્રદર્શનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ માધ્યમથી નવી પેઢી જૈન દર્શન અને સંસ્કૃતિને વધુ સરળતાથી સમજી શકશે. મ્યુઝિયમના આકર્ષણમાં ચાંદીના રથ અને વર્ષો જૂની હસ્તપ્રતોનો પણ સમાવેશ થાય છે, જે આ સંગ્રહાલયની ગરિમામાં વધારો કરે છે.

(7:49 PM IST)