<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

અવકાશમાં 'નવી દુનિયા' વસાવવી કેટલી વાસ્તવિક? શું શૂન્ય ગુરુત્વાકર્ષણમાં ગર્ભધારણ શક્ય છે? વિજ્ઞાનીઓએ રજૂ કર્યો ચોંકાવનારો ખુલાસો

મંગળ કે ચંદ્ર પર માનવ વસાહત સ્થાપવામાં સૌથી મોટો અવરોધ: ઝીરો-જીમાં શુક્રાણુઓ ગુમાવે છે રસ્તો; હોર્મોનલ ટ્રીટમેન્ટ બની શકે છે આશાનું કિરણ; જાણો અવકાશમાં જન્મ લેનારા બાળકો પર શું થઈ શકે છે અસર

 એડિલેડ : એલોન મસ્ક જેવા અબજોપતિઓ જ્યારે મંગળ અને ચંદ્ર પર શહેરો વસાવવાની વાતો કરે છે, ત્યારે સામાન્ય માણસના મનમાં પ્રશ્ન થાય છે કે શું ત્યાં માનવ વંશ આગળ વધી શકશે? તાજેતરમાં એડિલેડ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા એક ગહન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અવકાશમાં પ્રજનનની પ્રક્રિયા પૃથ્વી જેટલી સરળ નથી. 'માઇક્રોગ્રેવિટી' એટલે કે અત્યંત ઓછું ગુરુત્વાકર્ષણ માનવ પ્રજનન માર્ગમાં અવરોધ ઊભો કરે છે, જેના કારણે કુદરતી રીતે ગર્ભધારણ કરવું પડકારજનક બની શકે છે.
ભુલભુલામણીમાં અટવાતા શુક્રાણુઓ
વૈજ્ઞાનિકોએ 3D ક્લિનોસ્ટેટ મશીન દ્વારા અવકાશ જેવું વાતાવરણ તૈયાર કરીને પ્રયોગ કર્યો હતો. આ સંશોધનમાં જાણવા મળ્યું કે શૂન્ય ગુરુત્વાકર્ષણમાં શુક્રાણુ કોષો દિશાહીન બની જાય છે. સ્ત્રી પ્રજનન માર્ગ જેવી કૃત્રિમ ભુલભુલામણીમાં મુકવામાં આવતા આ કોષો સીધો રસ્તો શોધી શકતા નથી. પરિણામે, સામાન્ય સ્થિતિની તુલનામાં ગર્ભધારણની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એટલું જ નહીં, ઉંદર પર કરાયેલા પ્રયોગમાં જાણવા મળ્યું કે ઝીરો-જીમાં રહેલા શુક્રાણુઓ ઈંડાનું ફલીકરણ કરવાની ક્ષમતામાં ૩૦ ટકા જેટલો ઘટાડો અનુભવે છે.
હોર્મોનલ ટ્રીટમેન્ટથી જાગી આશા
જોકે, આ સંશોધન માત્ર નકારાત્મક જ નથી. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે 'પ્રોજેસ્ટેરોન' નામના સેક્સ હોર્મોનનો ઉચ્ચ ડોઝ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. જ્યારે શુક્રાણુઓને આ હોર્મોનથી ટ્રીટ કરવામાં આવ્યા, ત્યારે તેમની નેવિગેટ કરવાની એટલે કે રસ્તો શોધવાની ક્ષમતા ફરીથી પૃથ્વી જેવી સામાન્ય થઈ ગઈ હતી. આ શોધથી આશા જાગી છે કે ભવિષ્યમાં તબીબી સહાય દ્વારા અવકાશમાં પણ સ્વસ્થ ગર્ભની રચના શક્ય બનશે.
અવકાશમાં જન્મ અને તેના જોખમો
ગર્ભધારણ પછીની સફર વધુ મુશ્કેલ છે. અવકાશમાં બાળકનો જન્મ આપવો એ અત્યંત જટિલ પ્રક્રિયા હશે, કારણ કે ત્યાં પ્રવાહી અને વસ્તુઓ સ્થિર રહેતી નથી. સૌથી મોટું જોખમ 'કોસ્મિક કિરણો'નું છે. પૃથ્વીના રક્ષણાત્મક કવચ વિના, આ હાનિકારક કિરણો ગર્ભના કોષોને નુકસાન પહોંચાડી શકે છે. અવકાશમાં જન્મેલા બાળકના મગજનો વિકાસ, યાદશક્તિ અને શારીરિક સંતુલન (પોસ્ચરલ રીફ્લેક્સ) પર તેની કાયમી અસર થવાની ભીતિ છે. આમ, અવકાશમાં બાળકો પેદા કરવા અશક્ય નથી, પણ તે અનેક જૈવિક અને ભૌતિક જોખમોથી ભરેલું છે.

(8:08 PM IST)