<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ઈરાન-અમેરિકાના જંગમાં મધ્યસ્થી તરીકે ભારતની એન્ટ્રી? ઈરાને કહ્યું- "ભારત અમારો ખાસ મિત્ર છે, શાંતિ વાટાઘાટોમાં સ્વાગત છે"; પાકિસ્તાનની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

ઈરાની સરકારી સૂત્રોનો સનસનીખેજ ખુલાસો: અમેરિકા સાથેની ગુપ્ત વાટાઘાટો માટે પાકિસ્તાન પર વિશ્વાસ કરવો મુશ્કેલ; ભારત જેવો ભરોસાપાત્ર દેશ મધ્યસ્થી કરે તો પરિણામ આવી શકે; ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ પર રહસ્ય ઘેરાયું

તેહરાન : પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે વધતા જતા તણાવની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાની સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ આપેલા નિવેદનમાં ભારતને એક 'ખાસ મિત્ર' ગણાવ્યું છે અને ઈચ્છા વ્યક્ત કરી છે કે ભારત ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટોમાં સક્રિય ભૂમિકા ભજવે. જ્યારે બીજી તરફ, ઈરાને આ મામલે પાકિસ્તાનની ભૂમિકા સામે શંકાની સોય તાકી છે.
પાકિસ્તાન પર અવિશ્વાસ અને ભારત પર ભરોસો
પાકિસ્તાન હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી તરીકે ઉભરી આવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, પરંતુ ઈરાની સૂત્રો તેને માત્ર 'શ્રેય લેવાની રાજનીતિ' ગણાવી રહ્યા છે. સૂત્રએ જણાવ્યું હતું કે, "ભારત અમારો મિત્ર છે અને તે વાટાઘાટોમાં જોડાવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. પરંતુ પાકિસ્તાનની ભૂમિકા અંગે અમને અનિશ્ચિતતા છે." ઈરાનનું માનવું છે કે પાકિસ્તાનનો સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર છે અને તે અમેરિકાના દબાણમાં પણ હોઈ શકે છે, તેથી તે નિષ્પક્ષ મધ્યસ્થી બની શકે નહીં.
ટ્રમ્પનો 15-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન દ્વારા ઈરાનને ૧૫-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હોવાના અહેવાલો છે. જોકે, ઈરાને સત્તાવાર રીતે આ પ્રસ્તાવ સ્વીકાર્યો હોવાનો ઇનકાર કર્યો છે. ઈરાને વળતી પાંચ-મુદ્દાની યોજના રજૂ કરી છે. ઈરાની સૂત્રોએ સ્પષ્ટ કર્યું કે તેઓ હજુ સુધી પાકિસ્તાનને એકમાત્ર માધ્યમ માનતા નથી અને જર્મની જેવી યુરોપિયન શક્તિઓ પણ વાટાઘાટો માટે આગળ આવી છે, પરંતુ ભારતની મધ્યસ્થી સૌથી વધુ સ્વીકાર્ય બની શકે છે.
રાજદ્વારી ગજગ્રાહ અને ભારતની તક
ઈરાન અત્યારે ચોતરફથી ઘેરાયેલું છે અને તેને એવા મિત્રની જરૂર છે જે અમેરિકા સામે તેની વાત મજબૂતીથી મૂકી શકે. ભારતની ઈરાન સાથેની મિત્રતા અને અમેરિકા સાથેની વ્યૂહાત્મક ભાગીદારી આ સ્થિતિમાં 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે. જો ભારત આ વાટાઘાટોમાં પ્રવેશે છે, તો પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાની સાથે સાથે વૈશ્વિક સ્તરે ભારતનું કદ પણ ઘણું વધી જશે.

(8:12 PM IST)