<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

દક્ષિણના સુપરસ્ટાર વિજયની રાજકીય 'થલપથી' સ્ટાઈલ એન્ટ્રી: ચૂંટણી સોગંદનામામાં ₹615 કરોડની સંપત્તિ જાહેર; તમિલનાડુના રણમેદાનમાં ગુંજશે 'વ્હિસલ'નો અવાજ

ચેન્નાઈના પેરામ્બુરથી વિજયે ભર્યું ઉમેદવારી પત્ર; આરામદાયક જીવન છોડી જનતાની સેવા કરવા મેદાનમાં ઉતર્યાનો દાવો; સત્તારૂઢ DMK અને સ્ટાલિન સરકાર સામે છેડ્યું ખુલ્લું યુદ્ધ

ચેન્નાઈ : તમિલ સિનેમાના સુપરસ્ટાર અને 'તમિલગ વેટ્ટરી કઝગમ' (TVK) ના વડા વિજયે સત્તાવાર રીતે રાજકારણના મેદાનમાં ઝંપલાવ્યું છે. સોમવારે ચેન્નાઈના પેરામ્બુર મતવિસ્તારમાંથી પોતાનું ઉમેદવારી પત્ર ભરીને વિજયે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦26 માટે રણશિંગુ ફૂંકી દીધું છે. ૨૩ એપ્રિલે યોજાનારી આ ચૂંટણી માટે વિજયે પોતાના પક્ષના પ્રતીક 'વ્હિસલ' (સીટી) ને સમર્થન આપવા અને રાજ્યમાં 'વ્હિસલ ક્રાંતિ' લાવવા માટે જનતાને આહવાન કર્યું છે.
₹615 કરોડની સંપત્તિ અને ભવ્ય જીવનશૈલી
વિજયે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં પોતાની કુલ ₹615 કરોડની સંપત્તિ જાહેર કરી છે. જેમાં ₹405 કરોડની ચલ સંપત્તિ (રોકડ, શેર, જ્વેલરી) અને ₹210 કરોડની સ્થાવર સંપત્તિ (જમીન, બંગલા) નો સમાવેશ થાય છે. અભિનેતાએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે જનતાના પ્રેમનું ઋણ ચૂકવવા અને તેમની સેવા કરવા માટે પોતાના ફિલ્મી કરિયરનું આરામદાયક જીવન છોડીને કાંટાની ગલી સમાન રાજકારણ પસંદ કર્યું છે.
સ્ટાલિન સરકાર સામે આક્રમક પ્રહારો
ઉમેદવારી પત્ર ભર્યા બાદ એક ખુલ્લા વાહનમાંથી હજારો સમર્થકોને સંબોધતા વિજયે શાસક પક્ષ DMK પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પર સીધું નિશાન સાધતા આરોપ લગાવ્યો કે તેમની સરકાર લોકવિરોધી છે અને રાજ્યની વર્તમાન બદતર સ્થિતિ માટે જવાબદાર છે. વિજયે પેરામ્બુર જેવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, "શું આને જ યોગ્ય વહીવટ કહેવાય?"
શું વિજય બનશે તમિલનાડુના આગામી 'કિંગ'?
તમિલનાડુના રાજકારણમાં હંમેશા ફિલ્મી સિતારાઓનો દબદબો રહ્યો છે, ત્યારે વિજયની એન્ટ્રીએ આ સ્પર્ધાને વધુ રોમાંચક બનાવી દીધી છે. પોતાને એક પ્રામાણિક અને પ્રતિબદ્ધ વિકલ્પ તરીકે રજૂ કરતા વિજયે વચન આપ્યું છે કે તેઓ ક્યારેય જનતાને ગેરમાર્ગે દોરશે નહીં. હવે જોવાનું એ રહેશે કે વિજયની આ લોકપ્રિયતા મતોમાં પરિવર્તિત થાય છે કે નહીં અને શું તે સ્ટાલિનના ગઢમાં ગાબડું પાડી શકશે?

(8:12 PM IST)