News of Monday, 30th March 2026
ટ્રમ્પ સામે સ્પેનનો 'નો ફ્લાય ઝોન': ઈરાન જંગમાં અમેરિકી વિમાનો માટે આકાશના દરવાજા બંધ!
ટ્રમ્પની વિનંતીને ફગાવતા સ્પેને યુએસ યુદ્ધ વિમાનોને હવાઈ ક્ષેત્ર વાપરવાની મનાઈ કરી : લશ્કરી થાણાઓનો ઉપયોગ અમેરિકાને એટલાન્ટિક પાર કરવામાં ભારે મુશ્કેલી : નાટો દેશના આ મક્કમ વલણથી વોશિંગ્ટન અને મેડ્રિડ વચ્ચે વેપાર યુદ્ધના ભણકારા

ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકાને યુરોપિયન દેશ સ્પેને મોટો આંચકો આપ્યો છે. રક્ષણ મંત્રી માર્ગારીતા રોબલ્સે સ્પષ્ટ કર્યું છે કે સ્પેન ઈરાન વિરુદ્ધના કોઈપણ સૈન્ય ઓપરેશન માટે પોતાના હવાઈ ક્ષેત્ર કે લશ્કરી મથકોનો ઉપયોગ કરવા દેશે નહીં. સ્પેન સરકારના આ નિર્ણયથી F-35 અને B-52 જેવા શક્તિશાળી અમેરિકી વિમાનો હવે સ્પેનિશ આકાશમાં પ્રવેશ કરી શકશે નહીં. વડાપ્રધાન પેડ્રો સાંચેઝે આ હુમલાઓને "અવિચારી" ગણાવી આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાનો આગ્રહ રાખ્યો છે, જેણે ટ્રમ્પ પ્રશાસનને મૂંઝવણમાં મૂકી દીધું છે.
સ્પેનનો રોટા નેવલ બેઝ અને મોરોન એર બેઝ અત્યાર સુધી અમેરિકી વિમાનો માટે ઈંધણ ભરવાના મુખ્ય કેન્દ્રો હતા. હવે આ રસ્તો બંધ થવાથી યુએસ એરફોર્સના વિમાનોએ જર્મની, ઇટાલી કે પોર્ટુગલ થઈને લાંબો વળાંક લેવો પડશે. આનાથી માત્ર હુમલાનો સમય જ નહીં વધે, પણ ઈંધણનો ખર્ચ પણ અનેકગણો વધી જશે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેનને ધમકી આપી છે કે જો લશ્કરી સહકાર નહીં મળે તો અમેરિકા મેડ્રિડ સાથેના તમામ વ્યાપારિક સંબંધો તોડી નાખશે, પરંતુ સ્પેન પોતાના "શાંતિના મિશન" પર અડગ રહ્યું છે.
સ્પેનના આ નિર્ણયે નાટો સભ્ય દેશો વચ્ચે તિરાડ પાડી દીધી છે. અર્થતંત્ર મંત્રી કાર્લોસ કુએર્પેએ જણાવ્યું કે સ્પેન એકપક્ષીય રીતે શરૂ કરાયેલા કોઈપણ ગેરકાયદેસર યુદ્ધનો ભાગ બનશે નહીં. આ તરફ ઈઝરાયેલના હુમલા બાદ તેહરાનમાં અંધારપટ છવાયો છે અને પરિસ્થિતિ વધુ વણસી રહી છે. સ્પેનના આ કડક વલણને કારણે હવે અમેરિકાએ મધ્ય પૂર્વમાં પહોંચવા માટે નવા અને મોંઘા રૂટ શોધવા પડી રહ્યા છે, જે ટ્રમ્પની યુદ્ધ નીતિ માટે મોટો અવરોધ સાબિત થઈ શકે છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
