News of Tuesday, 31st March 2026
નેશનલ હાઈ-વે પરના ટોલ ટેક્સમાં ૫% સુધીનો વધારો, ૧લી એપ્રિલથી અમલ
મોંઘવારીનો વધુ એક ડામઃ હાઈવે પરની મુસાફરી મોંઘી થશે : ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા સામાન્ય લોકો પર પડશે બોજઃ માલસામાનની હેરફેર મોંઘી થશે

નવી દિલ્હી તા.૩૧: ઈરાન યુદ્ધને પગલે દેશમાં મોંઘવારીના ભણકારા વાગી રહ્યા છે. આ દરમિયાન નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ નેશનલ હાઈવે પર મુસાફરી કરનારા લોકોના ખિસ્સા પર વધારાનો બોજ પડવાનો છે. કેન્દ્ર સરકારે ૧લી એપ્રિલ, ૨૦૨૬થી દેશભરના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સના દરોમાં અંદાજે પાંચ ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
ખાનગી વાહન ચાલકો માટે ઉપલબ્ધ ૩૦૦૦ રૂપિયાના વાર્ષિક પાસ (જેમાં ૨૦૦ ટ્રિપની સુવિધા હોય છે)માં પણ નવા નાણાકીય વર્ષ (૧લી એપ્રિલ) થી ૭૫ રૂપિયા વધારવામાં આવશે. આ નિર્ણય લાગુ થતાંની સાથે જ દરરોજ મુસાફરી કરતા મુસાફરો, ખાનગી વાહન ચાલકો અને પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ વધુ ચૂકવણું કરવું પડશે. સરકાર દ્વારા દર વર્ષે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં ટોલ દરોની સમીક્ષા કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વખતે પણ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વધારો રસ્તાની જાળવણી, સમારકામ અને શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાના ઉદેશ્યથી કરવામાં આવ્યો છે.
ટોલ ટેક્સ વધવાની સીધી અસર એવા લોકો પર પડશે જેઓ દરરોજ કામકાજ કે વ્યાપાર અર્થે નેશનલ હાઈવેનો ઉપયોગ કરે છે. ખાસ કરીને નાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ સેક્ટર સાથે જોડાયેલા લોકોના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત, માલભાડામાં વધારો થવાને કારણે ટોલ ટેક્સના વધારાની અસર સામાન્ય જનતા પર પણ પડી શકે છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
