<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ઈરાન પર પરમાણુ હુમલાનો ખતરો? UN રાજદૂત રાજીનામુ

મધ્‍ય પૂર્વમાં ઈઝરાયલ અને અમેરિકા સાથે ઈરાનના વધતા તણાવની વચ્‍ચે સંયુક્‍ત રાષ્ટ્રમાં મોટો વિસ્‍ફોટ : ઈરાન પર પરમાણુ હુમલાની તૈયારી થઈ રહી હોવાનો સનસનાટીભર્યો દાવોઃ તેહરાન ૧ કરોડ લોકોનું શહેર છે, રણ નથી - રાજદૂતે માનવતા માટે અવાજ ઉઠાવ્‍યો

યુનો તા.૩૧: મધ્‍ય પૂર્વમાં  ઈઝરાયલ અને અમેરિકા સાથે ઈરાનના વધતા તણાવની વચ્‍ચે સંયુક્‍ત રાષ્ટ્રમાં મોટો વિસ્‍ફોટ થયો છે. એક વરિષ્ઠ રાજદૂત મોહમ્‍મદ સફાએપોતાના પદ પરથી રાજીનામું આપીને સનસનાટી મચાવી દીધી છે. સફાએ દાવો કર્યો છે કે વૈશ્વિક સંસ્‍થામાં કેટલાક વરિષ્ઠ અધિકારીઓ શક્‍તિશાળી લોબીના ઈશારે ઈરાન પર સંભવિત પરમાણુ હુમલાની તૈયારીમાં સહભાગી થઈ રહ્યા છે.

મોહમ્‍મદ સફા, જેઓ સંયુક્‍ત રાષ્ટ્રમાં પેટ્રિયોટિક વિઝનના કાયમી પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા, તેમણે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે આરોપ લગાવ્‍યો કે તેમને યુએનમાં સેન્‍સર કરવામાં આવ્‍યા હતા અને સંસ્‍થાના કેટલાક ઉચ્‍ચ અધિકારીઓ માનવતા વિરુદ્ધના ગુનામાં સાક્ષી બની રહ્યા છે.

સફાએ ઈરાનની રાજધાની તેહરાન ના ફોટા સાથે એક ભાવુક પોસ્‍ટ મૂકી હતી. તેમણે લખ્‍યું, આ શહેર કોઈ રણ નથી, અહીં ૧૦ મિલિયન (૧ કરોડ) લોકો રહે છે. જેમાં પરિવારો, બાળકો અને પાલતુ પ્રાણીઓ છે. જે લોકો આ શહેર પર બોમ્‍બમારો કરવાના વિચારથી ખુશ થઈ રહ્યા છે, તેઓ માનસિક રીતે બીમાર છે.ૅ તેમણે ચેતવણી આપી કે જો વોશિગ્‍ટન, લંડન કે પેરિસ પર પરમાણુ હુમલો થાય તો શું સ્‍થિતિ થાય, તેવી જ ગંભીરતા તેહરાન માટે પણ રાખવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્‍યું કે તેમણે આ માહિતી દુનિયા સમક્ષ લાવવા માટે પોતાની વર્ષોની મહેનત અને રાજદ્વારી કારકિર્દી જોખમમાં મૂકી છે. સફાના જણાવ્‍યા અનુસાર, યુએનના કેટલાક અધિકારીઓ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા થતા આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્‍લંઘન સામે બોલવા તૈયાર નથી. તેમણે સામાન્‍ય જનતાને અપીલ કરી છે કે પરમાણુ શિયાળો ટાળવા માટે લોકોએ રસ્‍તા પર ઉતરીને વિરોધ કરવો જોઈએ.

સફાએ એવો પણ દાવો કર્યો છે કે તેમને અને તેમના પરિવારને સતત મૃત્‍યુની ધમકીઓ મળી રહી હતી. યુએન જેવી સંસ્‍થામાં તેમને સત્‍ય બોલતા અટકાવવામાં આવ્‍યા હતા. જોકે, આ ગંભીર આરોપો અંગે હાલમાં સંયુક્‍ત રાષ્‍ટ્ર તરફથી કોઈ અધિકૃત પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

(10:52 AM IST)