<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ન્યુઝીલેન્ડ પ્રવાસનું આયોજન છે? સાવધાન! વિઝા હોવા છતાં એરપોર્ટ પરથી પાછા ધકેલાઈ શકો છો - જાણો કડક નિયમો

એન્ટ્રી ગેરંટી નથી: ખોટી માહિતી કે શંકાસ્પદ દસ્તાવેજો પ્રવાસીઓને જેલ અથવા દેશનિકાલ સુધી દોરી જઈ શકે છે


વેલિંગ્ટન, તા.31: કુદરતી સૌંદર્યથી ભરપૂર ન્યુઝીલેન્ડની મુલાકાત લેવાનું સપનું જોતા ભારતીયો સહિતના પ્રવાસીઓ માટે હવે નિયમો વધુ કડક બન્યા છે. ન્યુઝીલેન્ડ સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો તમારી પાસે માન્ય વિઝા અથવા NZeTA (ન્યુઝીલેન્ડ ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરિટી) હોય, તો પણ તમને દેશમાં પ્રવેશ મળશે જ તેની કોઈ ખાતરી નથી. એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ તમારી સખત પૂછપરછ કરી શકે છે અને સહેજ પણ ખામી જણાતા એરપોર્ટ પરથી જ એક્ઝિટ બતાવી શકે છે.
વિઝા અને NZeTA ની ગૂંચવણ
ન્યુઝીલેન્ડ જતા પહેલા દરેક મુસાફરે એ જાણવું જરૂરી છે કે તેમના માટે વિઝિટર વિઝા જરૂરી છે કે NZeTA. ખાસ કરીને ચીન અને પેસિફિક ટાપુઓના પ્રવાસીઓ માટે અલગ માર્ગદર્શિકા છે. ઓસ્ટ્રેલિયન નાગરિકોને થોડી છૂટછાટ છે, પરંતુ દસ્તાવેજોમાં સહેજ પણ વિસંગતતા હોય, પાસપોર્ટ ક્ષતિગ્રસ્ત હોય કે એક્સપાયર થવાની તૈયારીમાં હોય, તો એરલાઇન્સ તમને બોર્ડિંગ આપવાનો ઇનકાર કરી શકે છે. જો એરલાઇન્સ ભૂલથી આવા મુસાફરોને લાવે, તો કંપનીએ મોટો દંડ ભરવો પડે છે.
માહિતી છુપાવવી એ ગંભીર ગુનો
જો તમે વિઝા અરજીમાં કોઈ પણ વિગત છુપાવી હોય અથવા ઇમિગ્રેશન અધિકારીને ગેરમાર્ગે દોરનારી માહિતી આપી હોય, તો તે ગંભીર ગુનો ગણાશે. ઇલેક્ટ્રોનિક વિઝા (e-Visa) ધરાવતા લોકોએ ખાતરી કરવી પડશે કે તેમની વિગતો પાસપોર્ટ સાથે મેળ ખાય છે. આ ઉપરાંત, મુસાફરો પાસે ન્યુઝીલેન્ડમાં રોકાવા માટે પૂરતું ભંડોળ (બેંક બેલેન્સ) અને પરત આવવાની કન્ફર્મ ટિકિટ હોવી અનિવાર્ય છે. જો વર્ક વિઝા પર જઈ રહ્યા હોવ અને નોકરીની ઓફર રદ થઈ હોય, તો તમારો પ્રવેશ તુરંત અમાન્ય ગણાશે.
કેરેક્ટર અને હેલ્થ ચેક: કોઈ બાંધછોડ નહીં
ન્યુઝીલેન્ડની સુરક્ષા માટે જોખમી ગણાતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી છે. ગુનાહિત ગેંગ સાથે જોડાણ, જાતીય અપરાધનો રેકોર્ડ અથવા ભૂતકાળમાં કોઈ દેશમાંથી દેશનિકાલ (Deport) કરવામાં આવ્યા હોય તેવા લોકોને પ્રવેશ મળશે નહીં. આ ઉપરાંત, જાહેર આરોગ્યને જોખમમાં મૂકે તેવી બીમારીઓ અંગે પણ કડક તપાસ કરવામાં આવશે.
બાયોમેટ્રિક તપાસ અને એરપોર્ટ પ્રક્રિયા
આગમન પર, પ્રવાસીઓએ 'ન્યુઝીલેન્ડ ટ્રાવેલર ડિક્લેરેશન' ફોર્મ ભરવું પડશે. અધિકારીઓ જરૂર પડે તો તમારા ફિંગરપ્રિન્ટ્સ, ફોટા અથવા આઇરિસ (આંખ) સ્કેન જેવી બાયોમેટ્રિક માહિતી માંગી શકે છે. જો કોઈ મુસાફર આ પ્રક્રિયામાં સહકાર આપવાનો ઇનકાર કરે, તો તેને દેશમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
ન્યુઝીલેન્ડ સરકારે સ્પષ્ટ કર્યું છે કે સરહદ સુરક્ષા અને ઇમિગ્રેશન સિસ્ટમની મર્યાદા જાળવવા માટે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. તેથી, પ્રવાસ શરૂ કરતા પહેલા તમામ દસ્તાવેજોની બે વાર ચકાસણી કરી લેવી હિતાવહ છે.

(3:15 PM IST)