News of Tuesday, 31st March 2026
સાવધાન! કોરોનાનો નવો ‘સિકાડા’ વેરિઅન્ટ વિશ્વભરમાં ઝડપથી ફેલાયો: અમેરિકા અને યુરોપમાં કેસોમાં ઉછાળો, જાણો કેટલો ખતરનાક છે આ નવો દુશ્મન
ઓમિક્રોનનો વંશજ BA.3.2 વેરિઅન્ટ 25થી વધુ દેશોમાં મળ્યો: ગળામાં દુખાવો અને શરીરમાં કળતર જેવા લક્ષણો દેખાય તો તરત જ તકેદારી રાખવા નિષ્ણાતોની સલાહ

નવી દિલ્હી, તા.31: કોરોના વાયરસ એકવાર ફરી પોતાનું સ્વરૂપ બદલીને વિશ્વની ચિંતા વધારી રહ્યો છે. 'સિકાડા' (Cicada) તરીકે ઓળખાતો કોરોનાનો નવો સબવેરિયન્ટ BA.3.2 અત્યારે અમેરિકા અને યુરોપના દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. અહેવાલો મુજબ, માર્ચ 2026 સુધીમાં આ વેરિઅન્ટ અમેરિકાના 25 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે, જ્યારે જર્મની અને ડેનમાર્ક જેવા યુરોપિયન દેશોમાં કુલ કેસોના 30% હિસ્સો આ નવા વેરિઅન્ટનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પણ તેને 'વેરિઅન્ટ અંડર મોનિટરિંગ'ની યાદીમાં મૂક્યો છે.
શું છે આ ‘સિકાડા’ વેરિઅન્ટ?
આ નવો વેરિઅન્ટ વાસ્તવમાં ઓમિક્રોન પરિવારનો જ એક ભાગ છે. તેના સ્પાઇક પ્રોટીનમાં અંદાજે 70 થી 75 જેટલા પરિવર્તનો (Mutations) જોવા મળ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આટલા બધા પરિવર્તનોને કારણે તે આપણી રોગપ્રતિકારક શક્તિને છેતરી શકે છે, જેનાથી વર્તમાન રસીઓ કદાચ ઓછી અસરકારક સાબિત થાય. જોકે, રાહતની વાત એ છે કે હજુ સુધી આ વેરિઅન્ટ અગાઉના ડેલ્ટા કે ઓમિક્રોન જેટલો ઘાતક સાબિત થયો નથી.
લક્ષણો અને બચાવના ઉપાયો
સિકાડા વેરિઅન્ટના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા જ છે, જેમાં ગળામાં દુખાવો, સૂકી ઉધરસ, પુષ્કળ થાક, શરીરમાં દુખાવો અને તાવનો સમાવેશ થાય છે. ડૉક્ટરો સલાહ આપે છે કે જો આવા લક્ષણો દેખાય તો તરત જ આઇસોલેટ થઈ જવું અને પુષ્કળ આરામ કરવો. વારંવાર હાથ ધોવા અને ભીડભાડ વાળી જગ્યાએ માસ્ક પહેરવું હજુ પણ શ્રેષ્ઠ બચાવ છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
