<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

યુપીના ‘જાંબાઝ’ IAS રિંકુ સિંહ રાહીનું સરકારી સેવામાંથી રાજીનામું: 7 ગોળીઓ ખાધા પછી પણ અણનમ રહેલા અધિકારીએ સિસ્ટમ સામે હાર માની?

વકીલો સામે કાન પકડીને બેઠક-ઉઠક કરવાનો વીડિયો થયો હતો વાયરલ: ‘જનતાની સેવા કરવાની તક ન મળી’ તેમ કહીને પદ છોડ્યું, વિવાદો સાથે રહ્યો છે જૂનો નાતો

લખનૌ, તા.31: ઉત્તર પ્રદેશ કેડરના 2022 બેચના અત્યંત ચર્ચિત અને વિવાદાસ્પદ ગણાતા IAS અધિકારી રિંકુ સિંહ રાહીએ આખરે સરકારી સેવામાંથી રાજીનામું ધરી દીધું છે. પોતાની આખી કારકિર્દી દરમિયાન ભ્રષ્ટાચાર સામે લડનારા અને અવારનવાર ચર્ચામાં રહેનારા રાહીએ આરોપ લગાવ્યો છે કે તેમને લાંબા સમયથી કોઈ મહત્વનું કામ સોંપવામાં આવ્યું નહોતું. તેમણે પોતાના આ નિર્ણયને 'નૈતિક નિર્ણય' ગણાવ્યો છે.

શાહજહાંપુરની તે ઘટના અને વાયરલ વીડિયો

ગયા વર્ષે જુલાઈ 2025માં રિંકુ સિંહ રાહી શાહજહાંપુરના પુવાઈન તહસીલમાં SDM તરીકે ફરજ બજાવતા હતા. એક નિરીક્ષણ દરમિયાન તેમણે ચાર લોકોને જાહેરમાં પેશાબ કરતા જોયા અને તેમને સજા રૂપે સ્થળ પર જ બેસક-ઉઠક કરવાનો આદેશ આપ્યો. આ ચારમાંથી એક વકીલનો ક્લાર્ક હોવાથી મામલો બિચક્યો હતો. વકીલોના વિરોધ પ્રદર્શન દરમિયાન જ્યારે રિંકુ સિંહને ટોણા મારવામાં આવ્યા, ત્યારે તેમણે પોતે જ વકીલોની સામે કાન પકડીને ઉઠબેસ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો, ત્યારબાદ સરકારે તેમને પદ પરથી હટાવી રેવન્યુ કાઉન્સિલમાં મોકલી આપ્યા હતા.

7 ગોળીઓ વાગવા છતાં બચ્યા હતા રાહી

રિંકુ સિંહ રાહીની ઓળખ એક નીડર અધિકારી તરીકેની છે. 2009માં મુઝફ્ફરનગરમાં ₹100 કરોડના શિષ્યવૃત્તિ કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ તેમના પર જીવલેણ હુમલો થયો હતો. તેમના શરીર પર 7 ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાં તેમનો ચહેરો અને એક આંખને ગંભીર ઈજા પહોંચી હતી, છતાં તેઓ ચમત્કારિક રીતે બચી ગયા હતા. રાજીનામા પત્રમાં તેમણે દુખ વ્યક્ત કર્યું છે કે પગાર મળતો હોવા છતાં તેમને જનતાની સેવા કરવાથી વંચિત રાખવામાં આવ્યા હતા.

ઝડપી વિગત: રિંકુ સિંહ રાહીએ રાજીનામું આપ્યા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે, ઘણા લોકો તેમને પ્રામાણિકતાની મૂર્તિ ગણાવી રહ્યા છે.

(4:54 PM IST)