<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

સંસદમાં ગાજ્યો ‘પિતૃત્વ રજા’નો મુદ્દો: “બાળકના ઉછેરની જવાબદારી માત્ર માતાની જ કેમ?”, રાઘવ ચઢ્ઢાએ કાનૂની અધિકારની કરી માંગ

નવજાત બાળકની સંભાળમાં પિતાની ભૂમિકા પણ એટલી જ મહત્વની: પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કરોડો યુવાનોને પણ મળવી જોઈએ પેઇડ લીવ, જૂની માનસિકતા બદલવા રાજ્યસભામાં રજૂઆત

નવી દિલ્હી, તા.31: શું બાળકનો ઉછેર કરવાની જવાબદારી માત્ર માતાની જ છે? આ સવાલ સાથે સોમવારે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ભારતમાં 'પિતૃત્વ રજા' (Paternity Leave) ને કાનૂની અધિકાર બનાવવાની જોરદાર માંગ કરી છે. ચઢ્ઢાએ તર્ક આપ્યો હતો કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે અભિનંદન બંને માતાપિતાને આપવામાં આવે છે, તો પછી ઉછેરનો બોજ માત્ર માતા પર જ કેમ નાખવામાં આવે છે?

પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે અન્યાય?

રાઘવ ચઢ્ઢાએ ગૃહમાં જણાવ્યું કે હાલમાં માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓને જ 15 દિવસની પિતૃત્વ રજા મળે છે, પરંતુ દેશના 90 ટકા યુવાનો જે ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે, તેમને આવી કોઈ સુવિધા મળતી નથી. તેમણે માંગ કરી કે આ રજાનો વ્યાપ વધારવો જોઈએ જેથી પિતાએ પોતાની નોકરી અને નવજાત બાળકની સંભાળ વચ્ચે પસંદગી ન કરવી પડે. તેમણે વિશ્વના અનેક દેશોના ઉદાહરણો આપીને સમજાવ્યું કે ત્યાં પિતાને લાંબી રજાઓ મળે છે જે બાળકના માનસિક વિકાસ માટે જરૂરી છે.

પત્નીને પતિના સાથની સૌથી વધુ જરૂર

ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ભાર મૂકતા લખ્યું કે, "બાળજન્મ પછી પત્નીને તેના પતિના સહકારની સૌથી વધુ જરૂર હોય છે. રિકવરી પ્રોસેસમાં પતિની હાજરી અનિવાર્ય છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણા કાયદાઓમાં પરિવર્તન આવવું જોઈએ કારણ કે બાળકની સંભાળ રાખવી એ એક સહિયારી જવાબદારી છે, માત્ર મહિલાની ફરજ નથી.

(5:08 PM IST)