<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ઓનલાઈન કૌભાંડીઓ સાવધાન! હવે મળશે સીધી આજીવન કેદની સજા: સાયબર ક્રાઈમના આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડવા કંબોડિયાનો ઐતિહાસિક કાયદો

સંસદના તમામ 112 સભ્યોનું સર્વાનુમતે મતદાન: બનાવટી રોકાણ અને રોમાન્સ સ્કેમ દ્વારા અબજોની લૂંટ ચલાવનારાઓ માટે હવે જેલના સળિયા જ આખરી મુકામ

નોમ પેન્હ: સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીના વૈશ્વિક કેન્દ્ર તરીકે બદનામ થયેલા કંબોડિયાએ હવે ગુનેગારો સામે યુદ્ધ છેડ્યું છે. કંબોડિયાના કાયદા ઘડનારાઓએ આજે એક અત્યંત કડક અને ઐતિહાસિક કાયદો સર્વાનુમતે પસાર કર્યો છે, જે અંતર્ગત ઓનલાઈન કૌભાંડ આચરનારાઓને હવે આજીવન કેદ સુધીની સજા થઈ શકશે. એપ્રિલના અંત સુધીમાં તમામ ગેરકાયદેસર કૌભાંડ કેન્દ્રો બંધ કરવાના સરકારના વચનને પગલે આ મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે.

112 સભ્યોનો એકસૂરે ટેકો

કંબોડિયાની સંસદમાં હાજર તમામ 112 સભ્યોએ આ નવા કાનૂની માળખાને મંજૂરી આપવા માટે મતદાન કર્યું હતું. આ દેશનો પ્રથમ એવો કાયદો છે જે ખાસ કરીને ડિજિટલ યુગના માફિયાઓને લક્ષ્ય બનાવે છે. અત્યાર સુધી કંબોડિયા સાયબર ક્રાઈમ માટે સુરક્ષિત ગણાતું હતું, પરંતુ આ નવા કાયદાથી દેશની વૈશ્વિક પ્રતિષ્ઠા સુધારવાનો અને પીડિતોને ન્યાય અપાવવાનો માર્ગ મોકળો થયો છે.

કેવી રીતે ચાલતું હતું આ આંતરરાષ્ટ્રીય કૌભાંડ?

ન્યાય પ્રધાન કેઉટ રિથે સંસદમાં ખુલાસો કર્યો હતો કે, હજારો લોકોને 'હાઈ પ્રોફાઈલ' નોકરીની લાલચ આપીને એશિયાના વિવિધ દેશોમાંથી કંબોડિયા બોલાવવામાં આવતા હતા. ત્યારબાદ તેમને બંધક બનાવી, ગુલામોની જેમ કૌભાંડ કેન્દ્રોમાં કામ કરવા મજબૂર કરવામાં આવતા હતા. આ કેન્દ્રો દ્વારા વિશ્વભરના લોકો સાથે બોગસ રોકાણ યોજનાઓ અને 'ફેક રોમાન્સ' (હની ટ્રેપ) દ્વારા દર વર્ષે અબજો ડોલરની ખંડણી વસૂલવામાં આવતી હતી.

જાહેર સુરક્ષા અને દેશની છબીનો સવાલ

સરકારનું માનવું છે કે આ પ્રકારના ગુનાઓ માત્ર આર્થિક નુકસાન જ નથી પહોંચાડતા, પરંતુ જાહેર સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે. સાયબર ક્રાઈમ હબ તરીકેની છબીને કારણે કંબોડિયાની વૈષ્ઠિક છબી ખરડાઈ હતી. હવે આ કાયદો સેનેટની સમીક્ષા બાદ રાજા નોરોડોમ સિહામોનીની અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે.

આ કાયદો પસાર થતા જ હવે ડિજિટલ દુનિયામાં બેસીને લોકોને લૂંટતા ઠગારામાં ફફડાટ વ્યાપી ગયો છે. કંબોડિયાની આ કડક કાર્યવાહી અન્ય દેશો માટે પણ સાયબર સુરક્ષા મામલે એક મોટું ઉદાહરણ પૂરું પાડશે.

(7:20 PM IST)