<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ઈરાની ડ્રોનનો ખૌફ: ખાડી દેશોની વ્હારે આવ્યું 4,500 કિમી દૂરનું યુક્રેન : 'શાહેદ' કિલર ટેકનોલોજીથી અમેરિકા પણ અચંબિત!

મોંઘી મિસાઈલો સામે સસ્તા ડ્રોનનો 'માસ્ટરસ્ટ્રોક' : ઝેલેન્સકીની સેનાએ મધ્ય પૂર્વમાં મોકલ્યા 200 એન્ટી-ડ્રોન નિષ્ણાતો : સાઉદી અને UAE સાથેના ઐતિહાસિક કરાર હેઠળ રશિયા સામે લડવા મળશે અદ્યતન એર ડિફેન્સ

દુબઈ:મધ્ય પૂર્વના યુદ્ધે એક નવો લશ્કરી પાઠ ભણાવ્યો છે: "હુમલો કરવો સસ્તો છે, પણ બચાવ કરવો અત્યંત ખર્ચાળ." ઈરાનના 'શાહેદ-136' ડ્રોન માત્ર $20,000 થી $30,000 માં તૈયાર થાય છે, જેની સામે અમેરિકા અને ખાડી દેશોએ લાખો ડોલરની પેટ્રિઅટ મિસાઈલો છોડવી પડે છે. આ આર્થિક બોજથી બચવા માટે હવે ખાડી દેશોએ યુક્રેનનો સંપર્ક કર્યો છે. યુક્રેન પાસે રશિયા સામેના યુદ્ધનો ચાર વર્ષનો અનુભવ છે અને તેણે ઈરાની ડ્રોનને તોડી પાડવા માટે 'સ્ટિંગ' અને 'બુલેટ' જેવા અત્યંત સસ્તા અને અસરકારક ઇન્ટરસેપ્ટર્સ વિકસાવ્યા છે, જેનો સક્સેસ રેટ 90% સુધીનો છે.

 થોડા સમય પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે જે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મદદ માટે નકાર્યા હતા, આજે તે જ યુક્રેનિયન ટેકનોલોજી અમેરિકી બેઝને બચાવવા અનિવાર્ય બની છે. કતાર, UAE અને સાઉદી અરેબિયામાં ઝેલેન્સકીનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન એક મોટો સંરક્ષણ સોદો પાર પડ્યો છે: યુક્રેન ખાડી દેશોને તેના 'ડ્રોન કિલર' ઇન્ટરસેપ્ટર્સ અને 200થી વધુ નિષ્ણાતો આપશે, જેઓ જોર્ડન અને કુવૈતમાં તૈનાત રહીને ઈરાની હુમલાઓને નિષ્ફળ બનાવશે. બદલામાં, યુક્રેનને રશિયા સામે લડવા માટે અદ્યતન હાઈ-ટેક એર ડિફેન્સ મિસાઈલો પ્રાપ્ત થશે.

યુક્રેનના આ નવા હથિયારો ટેકનોલોજીની દ્રષ્ટિએ અદભૂત છે. 'સ્ટિંગ' ઇન્ટરસેપ્ટર 340 કિમી/કલાકની ઝડપે ઉડી શકે છે અને જો તે લક્ષ્ય ન મળે તો સુરક્ષિત રીતે પરત આવી શકે છે, જે તેને પુનઃઉપયોગી અને આર્થિક બનાવે છે. બીજી તરફ, 'બુલેટ' ઇન્ટરસેપ્ટર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને 3D-પ્રિન્ટેડ ભાગોથી બનેલું છે, જે અંધારામાં પણ થર્મલ કેમેરાની મદદથી આત્મઘાતી ડ્રોનને શોધીને હવામાં જ ફૂંકી મારે છે. આ ટેકનોલોજીએ યુએસ અને ગલ્ફ દેશોની મોંઘી સંરક્ષણ પ્રણાલીઓ પરથી દબાણ ઓછું કર્યું છે અને ઈરાનના 'કામિકાઝ' ડ્રોન સામે એક મજબૂત ઢાલ પૂરી પાડી છે.

(8:21 PM IST)