News of Tuesday, 31st March 2026
૧ એપ્રિલથી પગારનું ગણિત બદલાશે: હાથમાં આવતો પગાર ઘટશે પણ PF અને ગ્રેચ્યુઇટીમાં થશે 'બમ્પર' વધારો!
નવા લેબર કોડ સાથે કોર્પોરેટ જગતમાં ધરખમ ફેરફાર; હવે ૫ વર્ષને બદલે માત્ર ૧ વર્ષમાં જ મળશે ગ્રેચ્યુઇટીનો લાભ : મહિલાઓ માટે નાઇટ શિફ્ટના નિયમો હળવા થશે અને ગિગ વર્કર્સને પણ મળશે સામાજિક સુરક્ષાનું કવચ

નવી દિલ્હી: ૧ એપ્રિલ ૨૦૨૬થી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ દેશમાં ચાર નવા શ્રમ સંહિતા અમલી બનવા જઈ રહ્યા છે. આ નવા નિયમો મુજબ, કોઈપણ કર્મચારીનો મૂળભૂત પગાર તેની કુલ CTCના ઓછામાં ઓછો 50% હોવો ફરજિયાત છે. અત્યાર સુધી કંપનીઓ ટેક્સ બચાવવા માટે બેઝિક પગાર ઓછો રાખી ભથ્થાઓ વધારે આપતી હતી, પરંતુ હવે ભથ્થાઓ 50% થી વધુ રાખી શકાશે નહીં. આ ફેરફારને કારણે કર્મચારીઓના પીએફ (PF) યોગદાનમાં વધારો થશે, જેનાથી તેમનું નિવૃત્તિ ભંડોળ મજબૂત બનશે, પરંતુ દર મહિને હાથમાં આવતા (Take-home) પગારમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. મોટી કંપનીઓએ આ અંગે કર્મચારીઓને ઈમેલ મોકલવાનું પણ શરૂ કરી દીધું છે.
ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર ગ્રેચ્યુઇટીના નિયમમાં ફેરફાર છે. અત્યાર સુધી ગ્રેચ્યુઇટી મેળવવા માટે એક જ કંપનીમાં સતત ૫ વર્ષ કામ કરવું જરૂરી હતું, જે મર્યાદા હવે ઘટાડીને માત્ર ૧ વર્ષ કરી દેવામાં આવી છે. આનો લાભ ફિક્સ્ડ-ટર્મ અને કોન્ટ્રાક્ટ કામદારોને પણ મળશે. આ ઉપરાંત, નવા કાયદામાં મહિલા કર્મચારીઓ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં તેમની સંમતિ અને સુરક્ષાની ખાતરી સાથે રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને સમાન રોજગાર તકો મળે તે માટે પણ કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.
નવા શ્રમ સંહિતામાં કામના કલાકોને લઈને પણ સ્પષ્ટતા કરવામાં આવી છે, જેમાં અઠવાડિયાના મહત્તમ ૪૮ કલાક નક્કી કરાયા છે અને ઓવરટાઇમ માટે બમણા પગારની ગેરંટી આપવામાં આવી છે. પ્રથમ વખત, ઓનલાઇન પ્લેટફોર્મ પર કામ કરતા 'ગિગ વર્કર્સ' (જેમ કે ડિલિવરી બોયઝ અને ફ્રીલાન્સર્સ) ને કાનૂની માન્યતા મળી છે. હવે એગ્રીગેટર કંપનીઓએ તેમના ટર્નઓવરના ૧-૨% સામાજિક સુરક્ષા ફંડમાં આપવા પડશે, જેથી આ કામદારોને પણ વીમો અને પેન્શન જેવા લાભો મળી શકે. આ કાયદાઓ જૂના ૨૯ શ્રમ કાયદાઓનું સ્થાન લેશે, જેનો ઉદ્દેશ્ય ભારતના શ્રમ બજારને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવાનો છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
