<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ઇન્સ્ટાગ્રામ હવે 'ફ્રી' નહીં રહે? આવી રહ્યું છે 'ઇન્સ્ટાગ્રામ પ્લસ', સ્ટોરીઝ માટે ચૂકવવા પડશે પૈસા!

મેટાવર્સના લોકપ્રિય પ્લેટફોર્મ પર પ્રીમિયમ સબસ્ક્રિપ્શનનું ટેસ્ટિંગ શરૂ 24 કલાકની સમય મર્યાદા વધશે અને 'સુપરલાઇક' જેવા હાઈ-ટેક ફીચર્સ સાથે યુઝર્સને મળશે નવો પાવર

નવી દિલ્હી:  ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા હવે સ્નેપચેટ પ્લસની સફળતા બાદ પોતાના પ્લેટફોર્મ પર 'ઇન્સ્ટાગ્રામ પ્લસ'  નામની પેઇડ સર્વિસ લાવવાની તૈયારી કરી રહી છે. સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ મેટ નવરાના જણાવ્યા અનુસાર, હાલમાં ફિલિપાઇન્સમાં આનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, જેની કિંમત મહિને અંદાજે ₹100 (65 PHP) રાખવામાં આવી છે. આ સબસ્ક્રિપ્શન મોડેલ મુખ્યત્વે ઇન્સ્ટાગ્રામ 'સ્ટોરીઝ' ફીચરને વધુ પાવરફુલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કંપની યુઝર્સને એક મહિનાની ફ્રી ટ્રાયલ પણ ઓફર કરી શકે છે, જે બાદ પ્રીમિયમ ફીચર્સ વાપરવા માટે ખિસ્સા ખાલી કરવા પડશે.

 ઇન્સ્ટાગ્રામ પ્લસમાં એવા ફીચર્સ સામેલ હશે જે અત્યાર સુધી સામાન્ય યુઝર્સ માટે સપનું હતા. સૌથી રોમાંચક ફીચર 'રીવોચ ઇનસાઇટ્સ' છે, જેના દ્વારા તમે જોઈ શકશો કે કયા વ્યક્તિએ તમારી સ્ટોરી કેટલી વાર ફરી-ફરીને જોઈ છે. આ ઉપરાંત, યુઝર્સ પોતાની સ્ટોરીને 24 કલાકથી વધુ સમય સુધી લાઈવ રાખી શકશે અને સ્ટોરી વ્યૂઅર લિસ્ટમાં સર્ચ બારની સુવિધા પણ મળશે. સબસ્ક્રાઇબર્સ પાસે 'સુપર હાર્ટ્સ' અને 'સુપરલાઇક' જેવા બટન્સ હશે, જે તેમની પ્રોફાઇલની વિઝિબિલિટી અને એન્ગેજમેન્ટ વધારવામાં મદદ કરશે. એટલું જ નહીં, યુઝર્સ સ્ટોરી પોસ્ટ કરતા પહેલા તેનું પૂર્વાવલોકન કરી શકશે અને ચોક્કસ ગ્રુપ સાથે જ શેર કરી શકશે.

એક તરફ ઇન્સ્ટાગ્રામ નવા ફીચર્સ લાવી રહ્યું છે, તો બીજી તરફ તે 8 મેથી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ્સ માટે સપોર્ટ બંધ કરવાની પણ તૈયારીમાં છે. આનો અર્થ એ કે યુઝર્સે તે તારીખ પહેલા પોતાની મહત્વની ચેટ્સ અને મીડિયા ડાઉનલોડ કરી લેવા પડશે. ઇન્સ્ટાગ્રામ પ્લસના લોન્ચિંગથી એ સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયા કંપનીઓ હવે માત્ર જાહેરાતો પર નિર્ભર રહેવાને બદલે ડાયરેક્ટ સબસ્ક્રિપ્શન દ્વારા કમાણી કરવા માંગે છે. હાલમાં આ ફીચર દુનિયાના કેટલાક જ દેશોમાં ટેસ્ટિંગ મોડમાં છે, પરંતુ ટૂંક સમયમાં તે વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

(8:24 PM IST)