લેબનોન સેનાના પગલા પાછા: ઇઝરાયલી ટેન્કો માટે રસ્તો સાફ : હિઝબુલ્લાહના ગઢમાં મચ્યો હાહાકાર!
દક્ષિણ લેબનોનના ર્મેશ અને આઈન એબેલ શહેરોમાંથી લેબનીઝ સૈન્યની પીછેહઠ : નેતન્યાહૂનું 'બફર ઝોન' બનાવવાનું વચન પૂર્ણતાના આરે: ઇઝરાયલી ભૂમિ આક્રમણ પહેલા હિઝબુલ્લાહ રણમેદાનમાં એકલું પડ્યું

બેરૂત: મધ્ય પૂર્વના યુદ્ધમાં એક અત્યંત મહત્વનો વળાંક આવ્યો છે. લેબનોનની સત્તાવાર સેનાએ દક્ષિણ લેબનોનના વ્યૂહાત્મક શહેરો ર્મેશ અને આઈન એબેલમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચી લીધા છે. ઇઝરાયલની અદ્યતન વાયુસેના અને લશ્કરી તાકાત સામે ટકવામાં અસમર્થ લેબનીઝ સેનાનું આ પગલું ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) માટે ખુલ્લું આમંત્રણ માનવામાં આવે છે. આ પીછેહઠ સાથે જ ઇઝરાયલનું દક્ષિણ લેબનોનમાં સુરક્ષિત 'બફર ઝોન' બનાવવાનું વર્ષો જૂનું સપનું હવે હકીકત બનવા જઈ રહ્યું છે.
અત્યાર સુધી લેબનોન સેનાની હાજરી ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે એક 'અવરોધ' તરીકે કામ કરતી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. સેના હટી જતાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ હવે સીધું જ ઇઝરાયલી ટેન્કોના નિશાના પર છે. નિષ્ણાતોના મતે, આ ઘટના દર્શાવે છે કે લેબનોન સરકાર હવે હિઝબુલ્લાહના કારણે થતો વિનાશ સહન કરવા તૈયાર નથી. આગામી ૨૪ થી ૪૮ કલાકમાં ઇઝરાયલી સૈન્ય આ શહેરોમાં પ્રવેશીને હિઝબુલ્લાહની ગુપ્ત ટનલો અને ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરવા 'ક્લિનિંગ ઓપરેશન' શરૂ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
લેબનીઝ સેનાની પીછેહઠ બાદ દક્ષિણ લેબનોનના નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. હજારો લોકો પોતાનું ઘરબાર છોડીને સુરક્ષિત આશ્રય માટે ઉત્તર લેબનોન તરફ પલાયન કરી રહ્યા છે. ઇઝરાયલ માટે આ એક મોટી લશ્કરી અને રાજદ્વારી જીત છે, કારણ કે તે લડાઈ વિના જ લેબનોનના મહત્વના વિસ્તારો સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. જોકે, આ સામૂહિક સ્થળાંતરને કારણે લેબનોનમાં મોટી માનવતાવાદી કટોકટી સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે, જે આ આખા ક્ષેત્રની શાંતિ માટે પડકારરૂપ બની શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
