News of Tuesday, 31st March 2026
ભારતમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ 2027ની વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો થશે શરૂ
વસ્તી ગણતરીકર્તાઓ દ્વારા દરેક પરિવારને કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે :મકાનનો પ્રકાર, મકાનમાં વપરાયેલી સામગ્રી પીવાના પાણીની સુવિધા, શૌચાલય, રસોઈ માટે વપરાતું બળતણ, અને પરિવારના સભ્યોની સંખ્યા જેવી પાયાની વિગતોનો સમાવેશ

નવી દિલ્હી :ભારતમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ 2027ની વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. આ તબક્કામાં મુખ્યત્વે 'મકાન સૂચિબદ્ધકરણ અને આવાસ ગણતરી' (HLO) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારતની રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરની કચેરી દ્વારા જારી કરવામાં આવેલી સૂચના મુજબ, આ વખતે વસ્તી ગણતરીમાં એક ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. નાગરિકો હવે 'સ્વ-ગણતરી' ના માધ્યમથી પોતાની વિગતો ઓનલાઇન પોતે જ ભરી શકશે.
ગુજરાત, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ માટે વસ્તી ગણતરીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં સ્વ-ગણતરી 5 એપ્રિલથી 19 એપ્રિલ સુધી નાગરિકો પોતાની વિગતો જાતે નોંધી શકશે.
ગણતરીકારો દ્વારા મુલાકાત 20 એપ્રિલથી 19 મે દરમિયાન વસ્તી ગણતરીના કર્મચારીઓ ઘરે-ઘરે જઈને માહિતી એકત્ર કરશે.
(નોંધ: વહીવટી કારણોસર ગુજરાતની તારીખોમાં ફેરફાર થવાની શક્યતા પણ છે.)
વસ્તી ગણતરીકર્તાઓ દ્વારા દરેક પરિવારને કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં મકાનનો પ્રકાર, મકાનમાં વપરાયેલી સામગ્રી (જેમ કે છત, દીવાલ અને ફ્લોરિંગમાં વપરાયેલ મટીરીયલ), પીવાના પાણીની સુવિધા, શૌચાલય, રસોઈ માટે વપરાતું બળતણ, અને પરિવારના સભ્યોની સંખ્યા જેવી પાયાની વિગતોનો સમાવેશ થાય છે. દરેક મકાનને એક વિશિષ્ટ નંબર ફાળવવામાં આવશે.
વસ્તી ગણતરીની આ પ્રક્રિયા અલગ-અલગ રાજ્યોમાં તબક્કાવાર 30 સપ્ટેમ્બર સુધી ચાલશે:
- દિલ્હી, કર્ણાટક, ઓડિશા: 1 એપ્રિલથી શરૂઆત.
- મધ્યપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ: 16 એપ્રિલથી.
- ઉત્તર પ્રદેશ: 7 મે થી 20 જૂન સુધી.
- આસામ અને મણિપુર: ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન કામગીરી થશે.
- પશ્ચિમ બંગાળ: ચૂંટણીઓને કારણે હજુ તારીખો જાહેર કરવામાં આવી નથી.
દેશમાં છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી. 2021માં યોજાનારી ગણતરી કોરોના મહામારીને કારણે મોકૂફ રહી હતી. હવે 2027માં થનારી આ ડિજિટલ વસ્તી ગણતરી દેશના વિકાસ અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે પાયાનો પથ્થર સાબિત થશે.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
