News of Wednesday, 1st April 2026
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ૫૦ ટકાનો તોતિંગ ઉછાળો આવતા દિલ્હી સહિત દેશભરમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૯૫.૫ રૂપિયાનો અધધ વધારો ઝીંકાયો

નવીદિલ્હી: મોંઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય જનતા અને વેપારી વર્ગ પર વધુ એક આર્થિક ફટકો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં આશરે ૫૦ ટકા જેટલો તોતિંગ ઉછાળો નોંધાયા બાદ, સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૯૫.૫ રૂપિયાનો અધધ વધારો ઝીંક્યો છે. આ નવા ભાવવધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને ૨૦૭૮.૫૦ રૂપિયા થઈ ગઈ છે.
નોંધનીય છે કે, માત્ર એક મહિના પહેલા જ ૧ માર્ચના રોજ સિલિન્ડર દીઠ ૧૧૪.૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સતત બીજા મહિને થયેલા આ મોટા ભાવવધારાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને બેકરી વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
વ્યવસાયિક ગેસ મોંઘો થવાથી બહાર જમવાનું અને ખાદ્યપદાર્થો વધુ મોંઘા થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ડીજીટલ મીડિયા અને નિષ્ણાતોના અહેવાલો મુજબ, વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ અને સપ્લાય ચેઈન ખોરવાઈ જવાના કારણે તેલની કિંમતો આસમાને પહોંચી છે, જેની સીધી અસર સ્થાનિક બજારો પર જોવા મળી રહી છે.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
