<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

સોશિયલ મીડિયા પર હવે દરેક વિવાદાસ્‍પદ કન્‍ટેન્‍ટ માટે પ્‍લેટફોર્મ જ જવાબદાર

નવા નિયમોનું ઉલ્‍લંઘન કરનાર કંપનીઓનું ‘સેફ હાર્બર' સુરક્ષા કવચ છીનવાશે

નવી દિલ્‍હી તા.૧: કેન્‍દ્ર સરકારે ઈન્‍ફર્મેશન ટેકનોલોજી રેગ્‍યુલેશન-૨૦૨૧માં ફેરફાર કરવા માટેનો નવો ડ્રાફટ જાહેર કર્યો છે. આ નવા ફેરફાર બાદ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ હવે સરકારના નિર્દેશો, માર્ગદર્શિકા કે એડવાઈઝરીની અવગણના કરી શકશે નહીં. જો કોઈ કંપની સરકારના આદેશોનું પાલન કરવામાં નિષ્‍ફળ જશે, તો તે ડિજિટલ મીડિયા કંપનીને સીધી રીતે જવાબદાર ગણવામાં આવશે અને અત્‍યાર સુધી મળતું ‘સેફ હાર્બર'નું કાયદાકીય સુરક્ષા કવચ પાછું ખેંચી લેવામાં આવશે.

સેફ હાર્બર એ સોશિયલ મીડિયા કંપનીઓને મળેલી એક કાયદાકીય સુરક્ષા છે. આ નિયમ મુજબ, જો કોઈ યુઝર પ્‍લેટફોર્મ પર કોઈ વાંધાજનક પોસ્‍ટ કે વીડિયો મૂકે, તો તેના માટે કંપનીને જવાબદાર ઠેરવી શકાતી નથી. જોકે, આ સુરક્ષા ત્‍યારે જ મળે છે જ્‍યારે કંપનીઓ સરકારના નિયમોનું પાલન કરે. જો ફરિયાદ મળ્‍યાના ૩ કલાકની અંદર વાંધાજનક સામગ્રી હટાવવામાં ન આવે, તો કંપની વિરુદ્ધ પોલીસ કેસ પણ થઈ શકે છે.

નવા નિયમો અનુસાર, જો કોઈ અન્‍ય કાયદા હેઠળ ડેટા સુરક્ષિત રાખવો જરૂરી હોય (જેમ કે નાણાકીય, ટેક્‍સ કે તપાસ સંબંધિત બાબતો), તો પ્‍લેટફોર્મ તેને ડિજિટલ રીતે ડિલીટ કરી શકશે નહીં.

અત્‍યાર સુધી ડિજિટલ મીડિયા એથિક્‍સ કોડ માત્ર ન્‍યૂઝ પબ્‍લિશર્સ પર લાગુ થતો હતો, પરંતુ હવે સોશિયલ મીડિયા પર સમાચાર કે વર્તમાન બાબતો પોસ્‍ટ કરનારા સામાન્‍ય યુઝર્સને રેગ્‍યુલેશનનો નવો ફેરફાર લાગુ પડશે.  સરકાર કોઈપણ કન્‍ટેન્‍ટ સાથે જોડાયેલા મામલાને સીધો જ સમીક્ષા સમિતિ પાસે મોકલી શકે છે. આ માટે કોઈની ફરિયાદની રાહ જોવી ફરજિયાત રહેશે નહીં.

સરકારે આ ડ્રાફટ પર ૧૪ એપ્રિલ સુધી જાહેર સૂચનો અને વાંધાઓ મંગાવ્‍યા છે. જોકે, ઈન્‍ટરનેટ ફ્રીડમ ફાઉન્‍ડેશન જેવા સંગઠનોએ આનો વિરોધ શરૂ કર્યો છે. તેમનો આક્ષેપ છે કે સરકાર ઓનલાઈન કન્‍ટેન્‍ટ પર સેન્‍સરશિપ લાદવા માંગે છે અને આનાથી અભિવ્‍યક્‍તિની આઝાદી પર અસર પડી શકે છે. ખાસ કરીને સરકારની ટીકા કરતા કે મજાક ઉડાવતા કન્‍ટેન્‍ટ પર અંકુશ લાવવાનો આ પ્રયાસ હોવાનું તેઓ માની રહ્યા છે

(10:14 AM IST)