<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

મેટ્રોમાં ધુમ્રપાન, બિનજરૂરી હોર્ન વગાડવો, ટ્રેનમાં ભીખ માગવી ફોજદારી ગુનો નહીં ગણાય

જનવિશ્વાસ બિલ, ૨૦૨૬થી આવા નાના ૭૧૭ ગુનામાં જેલ નહીં, પરંતુ માત્ર દંડની જોગવાઈ : જનતા, વેપારીઓને બિનજરૂરી કાનૂની બોજ પડશે નહીં: ઘણા કિસ્‍સામાં તો પ્રથમ ચેતવણી આપી છોડી મૂકાશે

નવી દિલ્‍હી તા.૧: મેટ્રોમાં ધુમ્રપાન, રસ્‍તા પર ગાય દોહવી, ટ્રેનમાં ભીખ માગવી, બિનજરૂરી હોર્ન વગાડવો જેવા ઓછામાં ઓછા ૭૧૭ નજીવા નિયમ ભંગને હવે ફોજદારીની ગુનાના દાયરામાંથી બહાર લાવવા માટે સરકારે એક ક્રાંતિકારી જન વિશ્વવિશ્વાસ (સુધારા) બિલ ૨૦૨૬ સંસદમાં રજૂ કર્યું છે. આવા સામાન્‍ય નિયમ ભંગ બદલ હવે ધરપકડ, કાનૂની કાર્યવાહી અને જેલનો સામનો કરવો પડશે નહીં, પરંતુ તે માટે માત્ર દંડની જોગવાઈ કરાઈ છે. આ બિલની જોગવાઈ મુજબ જનતા,  વેપારીઓને બિનજરૂરી કાનૂની બોજ પડશે નહીં. ઘણા કિસ્‍સામાં તો પ્રથમ ચેતવણી આપી છોડી મૂકાશે.

હાલના કાયદા મુજબ જો એક ડુક્કર તેના વાડામાંથી બહાર નીકળીને પાડોશીના બગીચાને બગાડે તો ડુક્કરના માલિક પર ફોજદારી કેસ દાખલ થાય છે. તેને મેજિસ્‍ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને સંભવિત રીતે રૂ.૧૦નો દંડ થાય છે. આ કાયદો છેક ૧૮૭૧નો છે.

હાલમાં નવી દિલ્‍હી મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ એક્‍ટ હેઠળ કોઇ વ્‍યક્‍તિ દિવાલ પર પેશાબ કરે તો તે ફોજગારી ગુનો બને છે. વધુમાં મેટ્રો ટ્રેનના ડબ્‍બામાં ધુમ્રપાન કરવામાં આવે તો તે પણ ફોજદારી ગુનો બને છે અને તેના માટે દંડની રકમ રૂ.૨૫૦ છે, જેમાં ૧૯૮૦થી કોઇ સુધારો કરાયો નથી.

કેન્‍દ્રીય વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રાલયે લોકસભામાં રજૂ બિલમાં ૮૦ કેન્‍દ્રીય કાયદાઓના ઓછામાં ઓછા ૭૧૭ નાના ઉલ્‍લંઘનોને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કાઢવાની જોગવાઈ છે. તેનાથી આવા ગુનામાં જેલ કે કોર્ટમાં કાર્યવાહી નહીં થાય, પરંતુ સામાન્‍ય દંડ થશે. ઘણા કિસ્‍સામાં પ્રથમ ચેતવણી અપાશે.

દેશભરની મેટ્રો રેલવેને લાગુ પડતો હાલનો કલકત્તા મેટ્રો રેલ્‍વે (ઓપરેશન અને જાળવણી) કામચલાઉ જોગવાઈઓ ધારા, ૧૯૮૫ મુજબ કોઈપણ ડબ્‍બો, ગાડી અથવા ભૂગર્ભ સ્‍ટેશનમાં ધૂમ્રપાન કરવું એ ફોજદારી ગુનો છે, જેમાં મહત્તમ રૂ૨૫૦ દંડ થાય છે. નવા બિલ મુજબ દંડની રકમ વધારીને રૂ.૨,૦૦૦ કરાઈ છે, પરંતુ તે  ફોજદારી ગુનો રહેશે નહીં. જો દંડ ન ચુકવે તો જ મામલો કોર્ટમાં જશે.

હાલના મોટર વ્‍હિકલ ધારા મુજબ  બિનજરૂરી રીતે અથવા સતત હોર્ન વગાડવો, અથવા નિયુક્‍ત સાયલન્‍સ ઝોનમાં હોર્ન વગાડવો જેવો નિયમભંગ પહેલી વારથી જ ફોજદારી ગુનો ગણાય છે. જોકે નવા બિલ મુજબ આવા પ્રથમ ગુના માટે નિર્ધારિત ફોર્મેટમાં ફક્‍ત રેકોર્ડ કરેલી ચેતવણી મળશે.બીજા ઉલ્‍લંઘનથી  રૂ.૧,૦૦૦થી રૂ.૨,૦૦૦ સુધીનો દંડ લાગુ થશે.

(10:14 AM IST)